એવરેસ્ટના ચડાણમાં મેડિકલ ઇમર્જન્સીના નામે હેલિકૉપ્ટર સર્વિસનું જબરું કૌભાંડ

06 April, 2026 11:04 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

૧૮૫ કરોડ રૂપિયાના વીમાની રકમમાંથી કટકી મેળવતા ટ્રેકિંગ કંપનીના માલિકો, હેલિકૉપ્ટર ઑપરેટરો, શેરપાઓ અને અધિકારીઓ સહિત ૩૨ લોકો સામે સંગઠિત કાવતરાનો આરોપ

માઉન્ટ એવરેસ્ટ

માઉન્ટ એવરેસ્ટના ચડાણમાં મેડિકલ ઇમર્જન્સી તરીકે હેલિકૉપ્ટર સર્વિસ વાપરવી પડે એ માટે ટ્રે‌‌કિંગ સાથે સંકળાયેલા લોકો વચ્ચેની મિલીભગત તાજેતરમાં બહાર આવી છે. એવો આરોપ છે કે એવરેસ્ટ ચડવા આવતા પ્રવાસીઓને બીમાર પડે અને તેમને બચાવવા માટે હેલિકૉપ્ટરમાં લઈ જવામાં આવે તો શેરપાઓને આશરે ૨૦ મિલ્યન ડૉલર (આશરે ૧૮૫ કરોડ રૂપિયા)ના વીમાકૌભાંડમાંથી ભાગ મળે છે. નેપાલ પોલીસે ટ્રેકિંગ કંપનીના માલિકો, હેલિકૉપ્ટર ઑપરેટરો અને હૉસ્પિટલના અધિકારીઓ સહિત ૩૨ વ્યક્તિ પર સંગઠિત ગુના અને કાવતરા સાથે સંકળાયેલી છેતરપિંડીનો આરોપ મૂક્યો છે.

શેરપાઓ પર પણ પ્રવાસીઓને ખોરાકમાં ઝેર આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં તપાસ કરનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેકિંગ એજન્સીઓ સાથે કામ કરતા શેરપાઓએ કથિત રીતે પ્રવાસીઓને તેમના ભોજનમાં બેકિંગ સોડા ઉમેરીને ઝેર આપ્યું હતું, જેને કારણે ઊંચાઈવાળા સ્થળે તેમના પેટમાં દુખાવો ઊપડતો હતો અને તેમને તાત્કાલિક સારવાર માટે નીચે લાવવા પડતા હતા. આ માટે હેલિકૉપ્ટર બોલાવવામાં આવતું હતું. ઑપરેટરોએ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ વીમાકંપનીઓ પાસેથી પૈસા વસૂલવા માટે બનાવટી તબીબી અને ફ્લાઇટ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. ગેરકાયદે નફો શેરપા, હેલિકૉપ્ટર કંપનીઓ, ટ્રેકિંગ એજન્સીઓ અને હૉસ્પિટલો વચ્ચે વહેંચવામાં આવ્યો હોવાના અહેવાલ છે જ્યાં પ્રવાસીઓને નકલી સારવાર મળતી હતી. જાન્યુઆરીમાં ૩ મુખ્ય માઉન્ટન રેસ્ક્યુ કંપનીઓના ૬ અધિકારીઓની ધરપકડ સાથે તપાસ શરૂ થઈ હતી. 

વીમો મેળવવા માટે છેતરપિંડી થઈ છે, પરંતુ પ્રવાસીઓને ઝેર અપાતું હોવાની વાત ખોટી

નેપાલના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનું કહેવું છે કે વીમા-કૌભાંડ થયું છે, પણ ખોરાકમાં ઝેર અપાયાના કોઈ પુરાવા નથી. આશરે ૧૮૫ કરોડ રૂપિયાના વીમામાંથી કટકી મળે એ માટે નેપાલના શેરપાઓ માઉન્ટ એવરેસ્ટ ચડવા આવતા પ્રવાસીઓને ઝેર આપતા હતા એવો આરોપ મૂકવામાં આવ્યો હતો, પણ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ બાબતે કોઈ પુરાવા નથી.

અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે નેપાલમાં શેરપાઓ વીમા-કૌભાંડના ભાગ રૂપે પર્વતારોહકોને બેકિંગ સોડા થકી ઝેર આપી રહ્યા હતા. જોકે નેપાલના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (CIB)ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આને સમર્થન આપતા આવા કોઈ પુરાવા નથી. જોકે કૌભાંડ વાસ્તવિક છે, પણ ચાર્જશીટમાં ઝેરના દાવાને સમર્થન આપવા માટે કોઈ ફૉરેન્સિક કે કાનૂની પુરાવા નથી.

national news india mount everest nepal travel travel news Crime News