12 March, 2025 09:00 PM IST | Sambhal | Gujarati Mid-day Online Correspondent
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવી (તસવીર સૌજન્ય: PTI)
હોળી પર્વને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલી જામા મસ્જિદને બુધવારે તાડપત્રીથી ઢાંકી દેવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસનના આદેશ અનુસાર આ પગલું ભરવામાં આવ્યું હતું, જેનાથી હોળી દરમિયાન કોઈના ભાવનાઓને ઠેંસ ન પહોંચે.
હોળી માટે કડક સુરક્ષા વ્યવસ્થા
સંભલના એએસપી શ્રીશ ચંદ્રાએ માહિતી આપી હતી કે હોળી માટે સાવચેતીરૂપે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, “હોળી દરમિયાન જે માર્ગ પરથી હોળીનો જુલૂસ પસાર થાય છે, તે માર્ગ પર આવેલી તમામ 10 ધાર્મિક જગ્યાઓને ઢાંકવામાં આવશે જેથી કોઈની લાગણીઓ દુભાવાય નહીં. આ અંગે બંને પક્ષો વચ્ચે ચર્ચા થઈ છે અને સહમતિ પણ કરવામાં આવી છે." સંભલના એસડીએમ ડૉ. વંદના મિશ્રાએ પણ ખાતરી આપી કે હોળીનો તહેવાર શાંતિપૂર્વક ઉજવાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, “અમે કલમ 126 અને કલમ 135 હેઠળ 1015 લોકોની અટકાયત કરી છે. સંભલની વિવિધ મસ્જિદો પાસે લેખપાલોને સુરક્ષા માટે રાખવામાં આવ્યા છે. જિલ્લાને જુદા જુદા સેક્ટર્સમાં વહેંચવામાં આવ્યું છે અને સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે."
હોળી માટે વિશેષ સુરક્ષાની ગોઠવણ
પ્રશાસન દ્વારા શહેરના છ ઝોનમાં પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટને તહેનાત કરવામાં આવ્યા છે. શાંતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી. સંભલના ડીએમ રાજેન્દ્ર પેંસિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, “હોળી માટે આગામી દિવસોમાં કુલ 16 જુલૂસ નીકળશે. અમે દરેક વિસ્તાર અને ગામમાં શાંતિ સમિતિની બેઠકો યોજી છે. અમે 27 ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી છે. શહેરને કુલ છ ઝોન અને 29 સેક્ટરમાં વહેંચીને દરેક જગ્યાએ મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "દરેક પોલીસ સ્ટેશનના SHO (Station House Officer) અને તમામ મેજિસ્ટ્રેટને હૉટસ્પોટ વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે સુચના અપાઈ છે. અગાઉની જેમ ત્રણ સ્તરની સુરક્ષા (Three-layer security) માટે પીએસી (PAC) બટાલિયન પણ તહેનાત કરવામાં આવી છે. 250 CCTV કૅમેરા લગાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પણ 100-150 CCTV કૅમેરા લગાવવામાં આવ્યા છે. તહેવાર દરમિયાન ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને ફરી એકવાર ડ્રોન સર્વેક્ષણ પણ કરવામાં આવશે. DIGના નેતૃત્વ હેઠળ ફ્લેગ માર્ચ પણ યોજાઈ હતી."
રંગભરી એકાદશીનો ઉત્સાહ
સોમવારે સંભલમાં રંગભરી એકાદશી દરમિયાન હોળીનો ઉત્સવ ભારે સુરક્ષા વચ્ચે ઉજવાયો હતો. હોળી ઉજવણીની શરૂઆત દર્શાવતા રંગભરી એકાદશી મુખ્ય હોળી પર્વના પાંચ દિવસે પહેલા ઉજવાય છે.
શાંતિ માટે સમિતિની બેઠક યોજાઈ
આગામી શુક્રવારે યોજાનારી હોળી ઉજવણીને લઈને માર્ચ 6ના રોજ સંભલ કોઠવાલી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.