15 June, 2026 10:52 AM IST | Bhavnagar | Rohit Parikh
પત્ની વીણા સાથે વિલાસભાઈ
ભાવનગર પાસે આવેલા જૈનોના તીર્થ પાલિતાણામાં હૈદરાબાદના ૬૩ વર્ષના જૈન અગ્રણી અને દાનવીર વિલાસ ગાલા ૪ જૂને સવારે ૮ વાગ્યાની આસપાસ શત્રુંજય ગિરિરાજનાં આશરે ૩૦૦૦ જેટલાં પગથિયાં ચડી રહ્યા હતા ત્યારે અચાનક તેમને ગંભીર હાર્ટ-અટૅક આવતાં ડુંગર પર તેમનાં પત્ની વીણાબહેનની નજર સામે શાશ્વત ગિરિરાજનાં પવિત્ર પગથિયાં પર તેમણે અંતિમ શ્વાસ
લીધા હતા.
સૌથી કરુણ અને હૃદયસ્પર્શી બાબત એ છે કે એક બાજુ વિલાસભાઈ અને વીણાબહેનના વૈવાહિક જીવનનાં ૪૦ વર્ષ પૂરાં થવાનો પ્રસંગ હતો તો બીજી તરફ વિલાસભાઈની જીવનયાત્રાનો અચાનક અંત આવી ગયો હતો. આ સંયોગ તેમના પરિવારજનો અને સમાજ માટે અત્યંત ભાવુક અને આઘાતજનક રહ્યો હતો.
મૂળ કચ્છ જિલ્લાના ચિયાસર ગામના વિલાસભાઈ તેમના મામાના ૩ પૌત્રોની ૯૯ યાત્રાની પૂર્ણાહુતિ નિમિત્તે માળ પ્રસંગે હૈદરાબાદથી પાલિતાણા ગયા હતા. આ બાબતની માહિતી આપતાં વિલાસભાઈની પુત્રવધૂ ડિમ્પલના દહિસરમાં રહેતા પિતા હિતેશ વિકમાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિલાસભાઈ ફિટ ઍન્ડ ફાઇન હતા. ૩ જૂને ૯૯ યાત્રાના માળ પ્રસંગની પૂર્ણાહુતિ પછી તેઓ ૪ જૂને સવારે ૬ વાગ્યે તેમની ૪૦મી વેડિંગ ઍનિવર્સરી નિમિત્તે પત્ની સાથે શત્રુંજય ગિરિરાજની યાત્રા માટે નીકળ્યા હતા. ગિરિરાજની યાત્રા દરમ્યાન દંપતી ડુંગર પર આવેલી પદમાવતી માતાની દેરી પાસે ચાલી રહ્યું હતું ત્યારે અચાનક વિલાસભાઈ બૅકસાઇડમાં જોરદાર ધમાકા સાથે ઢળી પડ્યા હતા. વીણાબહેન અચાનક બનેલા આ બનાવથી ચોંકી ઊઠ્યાં હતાં. જોકે તેમની સાથે ડુંગર ચડી રહેલા યાત્રિકોએ તરત જ તેમને મસાજ આપવાની અને પ્રાથમિક સારવાર તરીકે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR) આપવાની કોશિશ કરી હતી. ત્યાંથી પસાર થઈ રહેલાં એક સાધ્વીજી મહારાજસાહેબે તેમની પાસેની હાર્ટ માટેની ટૅબ્લેટ પણ આપી હતી. વીણાબહેન વિલાસભાઈને મોઢાથી શ્વાસ આપી રહ્યાં હતાં ત્યારે આ ટૅબ્લેટ વીણાબહેનના મોઢામાં આવી ગઈ હતી. કદાચ વિલાસભાઈનો જીવ ત્યારે જ જતો રહ્યો હતો. વિલાસભાઈએ આદીશ્વર દાદાના દરબાર પાસે પહોંચી રહ્યા હોવાથી પગમાં પહેરેલાં મોજાં પણ કાઢી નાખ્યાં હતાં. તેઓ ઢળી પડ્યા ત્યારે તેમનો ચહેરો દાદાના દરબાર તરફ હતો અને મુખમુદ્રા જાણે તેઓ દાદાનાં દર્શન કરી રહ્યા હોય એવી રીતે ચમકી રહી હતી.’
શત્રુંજયનાં શિખરો પર આવું મૃત્યુ તો કોઈ વિરલ અને નસીબદાર આત્માને જ મળે એમ જણાવતાં હિતેશ વિકમાણીએ આ ઘટનાની વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘હૈદરાબાદમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિક વિલાસભાઈના મૃત્યુ સમયની સૌથી વિશેષ વાત એ હતી કે તેઓ ડુંગર પર પડવા છતાં તેમના શરીરમાં કે માથા પર કોઈ જ ઈજા થઈ નહોતી અને કપડાં પણ ગંદાં થયાં નહોતાં. તેમનું સમાધિમરણ થયું હતું. તેમની બૉડીને તરત જ ડોળીવાળા અને અન્ય લોકોની સહાયથી નીચે તળેટી પર લઈ આવ્યા હતા. ત્યાં કાર્ડિઍક ઍમ્બ્યુલન્સ રેડી હતી, પણ ઍમ્બ્યુલન્સ સાથે આવેલા ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ ૭ જૂને હૈદરાબાદમાં તેમની શોકસભા યોજવામાં આવી હતી. આ શોકસભામાં સંસ્થાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી ત્યારે અમને અને તેમના પરિવારને તેમના દ્વારા કરવામાં આવતા ગુપ્ત દાનની જાણકારી મળી હતી.’