12 March, 2025 10:56 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
નવ વર્ષનો શ્રીતેજ નામનો છોકરો ઘટનાના ત્રણ મહિના બાદ પણ હજી તેના પરિવારના સભ્યોને ઓળખી શકતો નથી
હૈદરાબાદના એક થિયેટરમાં ‘પુષ્પા 2 : ધ રૂલ’ના પ્રીમિયર વખતે થયેલી નાસભાગમાં ઘાયલ થયેલો નવ વર્ષનો શ્રીતેજ નામનો છોકરો ઘટનાના ત્રણ મહિના બાદ પણ હજી તેના પરિવારના સભ્યોને ઓળખી શકતો નથી. તેની તબિયતમાં પણ કોઈ જાતનો સુધારો દેખાતો નથી. આ નાસભાગમાં તેની મમ્મીનું મૃત્યુ થયું હતું.
શ્રીતેજ હજી પણ સિકંદરાબાદની હૉસ્પિટલમાં દાખલ છે અને સારવાર ચાલી રહી છે. તેના પર ઉપચાર કરી રહેલા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે ન્યુરોલૉજિકલ રીતે તેનામાં કોઈ સુધારો દેખાતો નથી, તે પરિવારના મેમ્બરોને ઓળખી શકતો નથી અને સરળ મૌખિક આદેશ પણ સમજી શકતો નથી.
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ૨૦૨૪ની ૪ ડિસેમ્બરે ‘પુષ્પા 2 : ધ રૂલ’ના પ્રીમિયર વખતે નાસભાગમાં ૩૯ વર્ષની રેવતીનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર શ્રીતેજ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ પ્રીમિયર વખતે ફિલ્મનો હીરો અલ્લુ અર્જુન હાજર હતો અને તેની ટીમ તથા થિયેટર મૅનેજમેન્ટ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેને વચગાળાના જામીન પર છોડવામાં આવ્યો હતો.
૨૫ ડિસેમ્બરે અલ્લુ અર્જુન, ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે રેવતીના પરિવાર માટે બે કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. એમાં અલ્લુ અર્જુને એક કરોડ રૂપિયા, ફિલ્મના નિર્માતા મૈત્રી મૂવીઝે ૫૦ લાખ રૂપિયા અને ફિલ્મના દિગ્દર્શક સુકુમારે ૫૦ લાખ રૂપિયા આ પરિવારને આપ્યા હતા.
સાતમી જાન્યુઆરીએ અલ્લુ અર્જુન શ્રીતેજ અને તેના પરિવારના સભ્યોને મળવા હૉસ્પિટલમાં પણ ગયો હતો.