આ રીતે હવે બ્લાસ્ટ વગર કાઢી શકાશે કોલસો, સ્વદેશી સરફેસ માઈનરથી ખાણકામ બનશે સુરક્ષિત

03 September, 2026 08:04 PM IST  |  Bhubaneswar | Gujarati Mid-day Online Correspondent

IIT-BHUના વૈજ્ઞાનિકોએ બ્લાસ્ટ વગર કોલસો કાઢી શકે તેવું સ્વદેશી સરફેસ માઇનર કટિંગ ડ્રમ વિકસાવ્યું છે, જે 50 મિમીથી પણ નાના કદનો કોલસો તૈયાર કરશે. નવી ટૅક્નોલોજીથી ખાણકામ વધુ સુરક્ષિત, ઝડપી અને ઓછું ખર્ચાળ બનશે તથા ઊર્જા બચશે.

પ્રતીકાત્મક તસવીર

હવે ખાણમાંથી કોલસો કાઢવા માટે ડાયનામાઇટથી વિસ્ફોટ કરવાની જરૂર નહીં પડે. આ નવી રીતથી ખાણમાં થતા અકસ્માત ઘટાડી શકાશે અને મજૂરોનો જીવ પણ બચાવી શકાશે. સાથે જ વિસ્ફોટથી પર્યાવરણને થતું નુકસાન પણ અટકાવી શકાશે. કોલસાની કંપનીઓ થર્મલ પાવર પ્લાન્ટમાં સીધો ઉપયોગ થઈ શકે તેવો એટલે કે 50 મિલીમીટર કદનો કોલસો સીધો મેળવી અને મોકલી શકશે. આથી મોટી ચટ્ટાનોના સ્વરપે કોલસાને દૂર સુધી લઈ જવાનો ખર્ચ પણ ઘટી જશે. ત્યાર બાદ તેને નાના ટુકડામાં તોડવા, ક્રશ કરવા અને અલગ અલગ કદમાં છાંટવાની પ્રક્રિયા પણ નહીં કરવી પડે. આથી ઊર્જા, મજૂરી, સમય અને પૈસાનો ખર્ચ ઘટશે. પર્યાવરણનો પ્રદૂષણ પણ ઓછો થશે. આ નવી રીત IIT, BHU ખનન ઈજનેરી વિભાગના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. તેમણે બ્લાસ્ટ વગર કોલસો કાઢી શકાય તેવું ઑપ્ટિમાઇઝ્ડ સરફેસ માઇનર કટિંગ ડ્રમ બનાવ્યું છે. આ ડ્રમ કોલસાને જરૂરી કદમાં સીધું કાપી શકે છે. તેથી ખાણકામ વધુ સલામત, સરળ, ઝડપી અને ઓછા ખર્ચે થઈ શકે છે. આ નવી ટૅક્નોલોજીથી કોલસા ઉદ્યોગની કામ કરવાની રીતમાં ફેરફાર આવી શકે છે.

50 મિમીથી નાના કોલસાનું ઉત્પાદન કરશે સ્વદેશી સરફેસ માઇનર

આ એડવાન્સ ટૅક્નોલોજીથી તૈયાર કરેલું સંપૂર્ણ સ્વદેશી સરફેસ માઇનર છે. આ મશીનથી ખાણમાંથી કોલસો કાઢતી વખતે જ તેનું કદ નિયંત્રિત કરી શકાશે. મશીન 50 મિમીથી નાના કદનો કોલસો તૈયાર કરીને બહાર કાઢશે. આના કારણે કોલસો કાઢ્યા પછી તેને અલગથી તોડવાની કે ક્રશ કરવાની જરૂર પડશે નહીં અથવા નહિવત્ જરૂર પડી શકે. પ્રૉજેક્ટના મુખ્ય સંશોધક પ્રૉફેસર સંજય શર્માએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે હવે એવા સંશોધનની જરૂર છે, જે માત્ર ઊર્જા બચાવવાના નારા પૂરતું સીમિત ન રહે. ઊર્જા બચતનો સીધો ફાયદો આપતાં ઉપયોગી મશીનો અને ઉત્પાદનો તૈયાર કરવા પર ભાર મૂકવો જોઈએ.

વિદેશી કટિંગ ડ્રમની મર્યાદા વચ્ચે સ્વદેશી ટૅક્નોલોજી પર ભાર

પ્રૉફેસર શર્માએ જણાવ્યું કે હાલમાં એનસીએલની સાત ઓપન કાસ્ટ ખાણોમાં કુલ 14 સરફેસ માઇનર મશીનો કામ કરે છે. આ મશીનોની મદદથી મુખ્યત્વે 100 મિમીથી નાના કદનો કોલસો તૈયાર કરવામાં આવે છે. આ કોલસો સામાન્ય રીતે ખાણમાંથી કાઢ્યા બાદ સીધો વેચાણ માટે મોકલવામાં આવે છે. હાલમાં ઉપયોગમાં લેવાતા ઘણા કટિંગ ડ્રમ વિદેશથી મગાવવામાં આવે છે. પરંતુ આ મશીનોમાં લાગેલા કટિંગ ડ્રમ ભારતીય કોલસાની ખાણો માટે દરેક વખતે યોગ્ય સાબિત થતા નથી. ભારતમાં જોવા મળતી કોલસાની પરતોની રચના અન્ય દેશોની કોલસાની પરતો કરતાં અલગ હોય છે. કોલસાની પરત કેટલી મજબૂત છે તેમાં પણ ઘણો તફાવત જોવા મળે છે. કેટલીક ખાણોમાં કોલસાની પરતની વચ્ચે પથ્થર કે અન્ય પ્રકારની જમીનના સ્તર પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં સામાન્ય કટિંગ ડ્રમથી કામ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. મશીનના ભાગો કેટલા ઝડપથી ઘસાઈ જાય છે તે બાબતમાં પણ ભારતીય કોલસાની ખાણોની સ્થિતિ અલગ છે. આ કારણે વિદેશથી લાવવામાં આવેલા કટિંગ ડ્રમ લાંબા સમય સુધી સારી રીતે કામ કરે તે જરૂરી નથી.
 
કટિંગ ડ્રમને કોલસાના લેયર પ્રમાણે યોગ્ય રીતે ડિઝાઇન કરવું ખૂબ જરૂરી છે. જો મશીન ભારતીય ખાણોની સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે તો તેનું કામ વધુ અસરકારક બની શકે છે. આ ઉપરાંત મશીનના કટિંગ ભાગો વધુ મજબૂત બનાવવાથી તેની કામગીરીમાં પણ સુધારો થઈ શકે છે. હાલમાં આ ક્ષેત્રમાં સ્વદેશી ટૅક્નોલોજી વિકસાવવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી ટૅક્નોલોજીથી ભારતીય કોલસાની ખાણોમાં મશીનનો ઉપયોગ વધુ સરળ અને અસરકારક બની શકે છે. સાથે જ મશીનના કટિંગ ડ્રમને વારંવાર બદલવાનો ખર્ચ પણ ઘટાડી શકાય છે. ભારતીય કોલસાની પરતોની ખાસિયતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું મશીન ખાણકામ માટે વધુ જરૂરી સાબિત થઈ શકે છે.
 
નોંધનીય છે કે IIT-BHUના વૈજ્ઞાનિકોએ સ્વદેશી કોલ માઈનર બનાવીને મેક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન આપ્યું છે. આની સાથે જ કોલસાના ખાણકામ ઉદ્યોગને વેગ મળે તે માટે યોગ્ય દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે જે આગળ જતાં દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
 

technology news tech news indian institute of technology bhubaneswar odisha news national news