24 December, 2025 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ગાંધી
કૉન્ગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રિયંકા ગાંધી વાડરાની ચર્ચા વધુ તીવ્ર બની છે એવા સમયે ગઈ કાલે કૉન્ગ્રેસના સંસદસભ્ય ઇમરાન મસૂદે પાર્ટીનાં મહાસચિવ અને વાયનાડનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધીને સંભવિત વડા પ્રધાનપદનાં ઉમેદવાર તરીકે જોરદાર સમર્થન આપ્યું હતું અને તેમની સરખામણી ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે કરી હતી.
મસૂદનું આ નિવેદન BJP દ્વારા બંગલાદેશમાં હિન્દુઓ પર થતી હિંસા સામે પ્રિયંકા મજબૂતાઈથી બોલતાં ન હોવાનો આરોપ લગાવતી ટીકાના જવાબમાં આવ્યું છે. મસૂદે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી પાસે સાઉથ એશિયન દેશોમાં ભારતવિરોધી વાતોનો સામનો કરવાનાં એ જ સંકલ્પ અને ક્ષમતા છે જે તેમની દાદી ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન સાથે વ્યવહાર કરતી વખતે દર્શાવ્યાં હતાં. ગયા વખતે જ્યારે પહેલી વાર બંગલાદેશમાં હિંસા ફાટી નીકળી ત્યારે પ્રિયંકા ગાંધીએ સૌથી પહેલો અવાજ ઉઠાવ્યો હતો. પહેલાં પ્રિયંકા ગાંધીને વડા પ્રધાન બનાવો અને પછી જુઓ કે તેઓ કેવી પ્રતિક્રિયા આપે છે; તેઓ બિલકુલ ઇન્દિરા ગાંધી જેવાં જ છે. જેમ ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું હતું એવી જ રીતે પ્રિયંકા ગાંધી પણ એવી કાર્યવાહી કરશે કે તે બંગલાદેશ ભારતવિરોધી લાગણીઓનું કેન્દ્ર ન બને.
બન્ને ઇન્દિરાનાં પૌત્ર-પૌત્રી છે : મસૂદ
જ્યારે મસૂદને પૂછવામાં આવ્યું કે જો પ્રિયંકા ગાંધી વડા પ્રધાન બને તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શું ભૂમિકા ભજવશે ત્યારે મસૂદે સીધો જવાબ આપ્યો નહોતો. તેમણે પ્રશ્ન ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમણે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી પણ એવું જ કરશે. રાહુલ અને પ્રિયંકા અલગ નથી, ઇન્દિરા ગાંધીનાં પૌત્ર-પૌત્રી છે. તમે તેમને અલગથી જોઈ શકતા નથી.’
કૉન્ગ્રેસ પરંપરાગત રીતે રાહુલ ગાંધીને વડા પ્રધાનપદ માટે પોતાનો મુખ્ય ઉમેદવાર માને છે અને મસૂદની ટિપ્પણીઓ નેતૃત્વ અને વ્યૂહરચના વિશે વિપક્ષમાં ચાલી રહેલી રાજકીય ચર્ચા વચ્ચે આવી છે.
મસૂદે કરી સ્પષ્ટતા
ઇમરાન મસૂદના આ નિવેદનથી રાજકીય વિવાદ બાદ મસૂદે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે BJP પાસે કોઈ નક્કર મુદ્દો નથી અને તેથી તેઓ બિનજરૂરી રીતે નિવેદનને વિકૃત કરી રહ્યા છે. રાહુલ ગાંધી સૌથી આદરણીય નેતા છે અને પ્રિયંકા ગાંધી પણ એ નેતૃત્વનો ભાગ છે. મને પ્રિયંકા ગાંધી વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેનો મેં જવાબ આપ્યો હતો કે તેઓ આગામી ઇન્દિરા ગાંધી બની શકે છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઇન્દિરા ગાંધીની બે આંખો છે અને તેઓ બન્ને પાર્ટીની વિચારધારાને આગળ ધપાવી રહ્યાં છે. જો પ્રિયંકા ગાંધી વડા પ્રધાન હોત તો બંગલાદેશમાં હિન્દુઓની સ્થિતિ આજે આવી ન હોત.