રાહુલ ગાંધીની હાજરીમાં જિજ્ઞેશ મેવાણી અને કન્હૈયા કુમાર કૉન્ગ્રેસમાં જોડાશે

26 September, 2021 11:53 AM IST  |  New Delhi | Agency

મેવાણી ગુજરાતના અપક્ષ વિધાનસભ્ય છે, જે કૉન્ગ્રેસના ટેકાથી ચૂંટણી જીત્યા હતા. ૨૦૧૭ની ચૂંટણી દરમ્યાન અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટી કૉન્ગ્રેસની સાથે હતી.

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

જેએનયુએસયુના ભૂતપૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ૨૮ સપ્ટેમ્બરે કૉન્ગ્રેસમાં જોડાશે. બન્ને નેતાઓ કૉન્ગ્રેસમાં જોડાવાના પ્રસંગને હાઈ પ્રોફાઇલ બનાવવાના હેતુથી વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ હાજર રહેશે. ૨૮ સપ્ટેમ્બરે શહીદ ભગત સિંહની જન્મજયંતી છે. 
કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ મેવાણી તાજેતરમાં જ રાહુલ ગાંધીને મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યા અનુસાર આ બન્ને નેતાઓ અને કૉન્ગ્રેસ પાર્ટી વચ્ચે વાતચીતને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ બન્ને નેતાઓ અને ખાસ કરીને જિજ્ઞેશ મેવાણીને કૉન્ગ્રેસમાં લાવવાનું મુખ્ય કારણ લાખો લોકોની ભીડને ખેંચી લાવતી તેમની વકૃત્વ શૈલી છે. મેવાણી ગુજરાતના અપક્ષ વિધાનસભ્ય છે, જે કૉન્ગ્રેસના ટેકાથી ચૂંટણી જીત્યા હતા. ૨૦૧૭ની ચૂંટણી દરમ્યાન અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટી કૉન્ગ્રેસની સાથે હતી. આ ત્રિપુટીમાંથી અલ્પેશ ઠાકોર બીજેપીમાં જોડાયો છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર તેઓ ભૂતકાળમાં રાહુલ ગાંધીને મળ્યા હતા, જોકે લોકસભાની છેલ્લી ચૂંટણી સુધી પક્ષમાં જોડાવાની તેમની ઑફર પેન્ડિંગ હતી. બિહારમાં કૉન્ગ્રેસની હાલત બહુ જ ખરાબ છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૭૦ બેઠકો પર ચૂંટણી લડી હતી એમાંથી ૧૯ બેઠકો જ જીતી શકી હતી. 

national news congress rahul gandhi