16 September, 2025 08:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર વાર્તાલાપ ફરી એક વાર શરૂ થવા જઈ રહ્યો છે. અમેરિકા વતી સાઉથ અને સેન્ટ્રલ એશિયાના અસિસ્ટન્ટ US ટ્રેડ પ્રતિનિધિ બ્રેન્ડન લિન્ચ અને ભારતના ચીફ નિગોશિએટર રાજેશ અગ્રવાલ આજે દિલ્હીમાં મળશે. બેઠકમાં ટ્રેડ ટૉકનો પહેલો તબક્કો ઑક્ટોબર મહિના સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય છે.
છેલ્લા બે મહિનાથી અમેરિકા સાથેની તૂટી ગયેલી વ્યાપાર-વાટાઘાટો હવે ફરીથી પાટા પર આવશે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ મહિનામાં બે દેશો વચ્ચે દ્વિપક્ષી ટ્રેડ-ટૉકની શરૂઆત કરી હતી. જોકે રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે અમેરિકાએ ભારત પર પેનલ્ટી ટૅરિફ લગાવતાં ટ્રેડ-ટૉક ખોરંભે ચડી ગઈ હતી. તાજેતરમાં ટ્રમ્પે નરેન્દ્ર મોદીને દોસ્ત ગણાવ્યા હતા અને વડા પ્રધાને પણ અમેરિકા માટે સમાન ભાવ દેખાડતાં બન્ને દેશો વચ્ચે ફરી ટ્રેડ-ટૉકની શરૂઆત થઈ રહી છે. ગઈ કાલે અમેરિકાના પ્રતિનિધિ બ્રેન્ડન લિન્ચ ભારત પહોંચ્યા હતા અને આજે નવી દિલ્હીમાં વ્યાપારિક વાર્તાલાપ શરૂ થશે.
વાણિજ્યસચિવ સુનીલ બર્થવાલે આ વાતની પુષ્ટિ આપતાં કહ્યું હતું કે બન્ને દેશો સાથે આજે પૉઝિટિવ અપ્રોચ સાથે બેઠક થવાની આશા છે.