અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે તૈયાર થયાં છે

12 May, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે સ્પષ્ટતા કરી હતી કે આ વિરામ પરસ્પર સમજૂતી છે, યુદ્ધવિરામ કરાર નથી. ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી કૃત્યને યુદ્ધ તરીકે ગણવામાં આવશે.

ગઈ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશપ્રધાન એસ. જયશંકર, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, નૅશનલ સિક્યૉરિટી એડ‍્વાઇઝર અજિત ડોભાલ તથા આર્મી, નેવી, અૅર ફોર્સના ચીફ સાથે મીટિંગ કરી હતી.

ભારતની શરતો પર યુદ્ધ રોકવામાં આવ્યું, સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે, ભવિષ્યમાં આતંકવાદી કૃત્યને યુદ્ધ માનવામાં આવશે  ઃ ભારતની સ્પષ્ટ વાત - આ પરસ્પર વિરામ સમજૂતી છે, યુદ્ધવિરામ કરાર નથીઃ IMFની એક બિલ્યન ડૉલરની લોન મંજૂર કરવા માટે અમેરિકાએ પાકિસ્તાન સામે યુદ્ધ રોકવા શરત મૂકી

ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકાની મધ્યસ્થતા બાદ યુદ્ધ રોકવા પર સહમતી થઈ હતી અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એની જાહેરાત કરી હતી. આના પગલે ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાથી બેઉ દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. 

વિક્રમ મિસરીએ શું કહ્યું?
આ મુદ્દે જાણકારી આપતાં વિદેશ સેક્રેટરી વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑર્ગેનાઇઝેશન (DGMO)એ બપોરે ૩.૩૫ વાગ્યે ભારતીય DGMOને ફોન કર્યો હતો. તેમની વચ્ચે સહમતી બની હતી કે બેઉ પક્ષો ભારતીય સમય મુજબ સાંજે પાંચ વાગ્યાથી જમીન, હવા અને સમુદ્રમાં કોઈ પણ પ્રકારનો ગોળીબાર કે સૈન્ય કાર્યવાહી બંધ કરી દેશે. બેઉ પક્ષોએ શનિવારથી જ આ સહમતીને લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બેઉ DGMO ૧૨ મેએ બપોરે ૧૨ વાગ્યે ફરીથી વાતચીત કરશે.

પરસ્પર સમજૂતી, યુદ્ધવિરામ નથી

ભારતે સ્પષ્ટતા કરી હતી કે આ વિરામ પરસ્પર સમજૂતી છે, યુદ્ધવિરામ કરાર નથી. ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી કૃત્યને યુદ્ધ તરીકે ગણવામાં આવશે.  

આતંકવાદ સામે ભારતનું વલણ સખત રહેશે ઃ એસ. જયશંકર
ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે આ મુદ્દે સોશ્યલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું કે ભારત અને પાકિસ્તાને શનિવારથી ગોળીબાર અને સૈન્ય કાર્યવાહીને રોકવા માટે સહમતી દર્શાવી છે. ભારતે આતંકવાદનાં તમામ રૂપો અને અભિવ્યક્તિઓના વિરોધમાં દૃઢ અને સખત વલણ રાખ્યું છે. આ આગળ પણ એમ જ રહેશે.

શું કહ્યું ડોનલ્ડ ટ્રમ્પે?

એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘રાત્રે અમેરિકાની મધ્યસ્થતામાં થયેલી લાંબી વાતચીત બાદ મને એ જણાવતાં ખુશી થઈ રહી છે કે ભારત અને પાકિસ્તાન તરત અને પૂર્ણ રીતે યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયાં છે. કૉમનસેન્સ અને બુદ્ધિનો ઉપયોગ કરવા બદલ બન્ને દેશોને અભિનંદન.’

યુદ્ધવિરામની જાહેરાત પહેલાંની ટાઇમલાઇન

૪૮ કલાકમાં ભારતે પાકિસ્તાનના ઘણા ઍર બેઝ પર હુમલા કર્યા હતા અને એને તોડી પાડ્યા હતા. આમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું. ગઈ કાલે બપોરે ૩.૩૦ વાગ્યે પાકિસ્તાનના DGMOએ ભારતના DGMOને ફોન કરીને કહ્યું હતું કે પાકિસ્તાન હવે વધુ હુમલા નહીં કરે અને યુદ્ધવિરામની વિનંતી કરી હતી.

પાકિસ્તાનને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF) પાસેથી ૧ બિલ્યન ડૉલરની લોન લેવી હતી, પણ એ માટે અમેરિકાએ યુદ્ધવિરામ માટે દબાણ કર્યું હતું. દેવામાં ડૂબેલા પાકિસ્તાનને આ રકમની જરૂર હોવાથી એણે અમેરિકાએ મૂકેલી શરત માની લીધી હતી.

ભારતે સ્પષ્ટ કર્યું હતું કે સિંધુ જળ સંધિ સસ્પેન્શન પર કોઈ અસર નહીં થાય. પાકિસ્તાન સાથે કોઈ માહિતી શૅર કરવામાં આવશે નહીં અને ભારત ત્રણ નદીઓ પર પાણીના પ્રોજેક્ટ શરૂ કરશે.
અમેરિકાએ ભારતના યુદ્ધ સિદ્ધાંતમાં ફેરફારનો સ્વીકાર કર્યો છે. હવેથી કોઈ પણ આતંકવાદી હુમલો યુદ્ધના કૃત્ય તરીકે સ્વીકારવામાં આવશે.

માર્કો રુબિયોએ શું કહ્યું?
અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘છેલ્લા ૪૮ કલાકમાં વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ અને મેં વડા પ્રધાનો નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, વિદેશપ્રધાન એસ. જયશંકર, પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર અને નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરો અજિત ડોભાલ અને અસીમ મલિક સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાતચીત કરી છે. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થઈ છે અને તટસ્થ સ્થળે વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો શરૂ કરવા માટે સંમત થઈ છે. શાંતિનો માર્ગ પસંદ કરવામાં વડા પ્રધાન મોદી અને શરીફનાં શાણપણ, સમજદારી અને રાજનીતિની અમે પ્રશંસા કરીએ છીએ.’

national news pakistan jammu and kashmir ind pak tension donald trump indian army indian air force