ઉત્તર પ્રદેશથી નેપાલમાં થતી પેટ્રોલ અને ડીઝલની દાણચોરી પર લગામ

09 June, 2026 09:31 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

નેપાલમાં પ્રતિ લીટર ૬૦ રૂપિયા વધુ મળતાં થતી હેરાફેરી રોકવા પ્રશાસન ઍક્શનમાં, ઉત્તર પ્રદેશના ૮ સરહદી જિલ્લામાં હાઈ અલર્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વિશ્વમાં બળતણની કટોકટી વચ્ચે ભારત અને નેપાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૬૦ રૂપિયા પ્રતિ લીટરના મોટા તફાવતને કારણે ભારત-નેપાલ સરહદ પર તેલની દાણચોરીનું મોટું કામકાજ શરૂ થયું છે. નેપાલમાં ભાવ ઉત્તર પ્રદેશ કરતાં લગભગ ૬૦ રૂપિયા વધારે છે. આ નફાનો લાભ લેવા માટે લોકો ઉત્તર પ્રદેશથી નેપાલમાં તેલની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકાર, જિલ્લા પ્રશાસન, તેલ-માર્કેટિંગ કંપનીઓ અને સશસ્ત્ર સીમા બલ (SSB)એ સંયુક્ત રીતે નેપાલ સરહદ પર એક અભેદ્ય ત્રિસ્તરીય દેખરેખ પ્રણાલી વિકસાવી છે. આ મજબૂત સુરક્ષા-વ્યવસ્થા સાથે સસ્તા ભારતીય તેલની દાણચોરી કરતા દાણચોરોને સીધા જ પકડી લેવામાં આવશે.

ઉત્તર પ્રદેશ નેપાલ સાથે ૫૭૯ કિલોમીટર લાંબી ખુલ્લી સરહદ ધરાવે છે જેને કારણે મુસાફરી સરળ બને છે. આ દાણચોરીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના ૮ સરહદી જિલ્લાઓમાં સર્વાંગી દેખરેખ વધારવામાં આવી છે જેમાં બહરાઇચ, મહારાજગંજ, સિદ્ધાર્થનગર, શ્રાવસ્તી, બલરામપુર, લખીમપુર ખીરી, ગોંડા અને બસ્તીનો સમાવેશ છે. 

નવા નિયમ લાગુ

ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી, પરંતુ સરહદી જિલ્લાઓમાં અફવા અને ગભરાટને કારણે માગણી અચાનક બમણી થઈ છે. સંગ્રહખોરી અને દાણચોરીને રોકવા માટે કડક નિયમ પણ લાગુ કરવામાં આવ્યા છે. ૨૦૦ લીટરના મોટા ડ્રમમાં જથ્થાબંધ ડીઝલ વેચાણ પર હવે પ્રતિબંધ છે. ઘણા વિસ્તારોમાં એક સમયે પ્રતિ વ્યક્તિ ૨૦ લીટર તેલની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ પ્રતિબંધને કારણે પેટ્રોલ-પમ્પ પર ભીડ અને લાંબી કતાર જોવા મળી છે, પરંતુ અધિકારીઓને વિશ્વાસ છે કે જ્યાં સુધી ભાવમાં તફાવત રહેશે ત્યાં સુધી કડક દેખરેખ ચાલુ રહેશે.

petrol diesel price nepal uttar pradesh india national news news