યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજનું ભારત દ્વારા નૉમિનેશન

31 January, 2026 09:25 AM IST  |  Shillong | Gujarati Mid-day Correspondent

ઉત્તરપૂર્વીય રાજ્યમાં ખાસી અને જયંતિયા હિલ્સના દક્ષિણ ઢોળાવ પર આવેલું આ નામાંકિત સ્થળ એક જીવંત સાંસ્કૃતિક લૅન્ડસ્કેપનું પ્રતિનિધિત્વ કરે છે

મેઘાલયના પ્રખ્યાત લિવિંગ રૂટ બ્રિજ

ભારતે યુનેસ્કોના ૨૦૨૬-’૨૭ વર્લ્ડ હેરિટેજ મૂલ્યાંકન માટે મેઘાલયના પ્રખ્યાત લિવિંગ રૂટ બ્રિજનું નૉમિનેશન સબમિટ કર્યું છે. આ સંદર્ભમાં મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ જણાવ્યું હતું કે ‘પૅરિસમાં ભારતીય રાજદૂત વિશાલ શર્મા દ્વારા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરના ડિરેક્ટર લાઝારે અસોમો એલોન્ડૌને નૉમિનેશન સોંપવામાં આવ્યું હતું. અમે આશા રાખીએ છીએ કે લિવિંગ રૂટ બ્રિજનો આ વર્ષે યાદીમાં સમાવેશ કરવામાં આવશે, જે સુનિશ્ચિત કરશે કે આ જીવંત વારસાના સાચા રક્ષક આદિવાસી સમુદાયો છે. તેમને લાયક વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થશે.’

ઉત્તરપૂર્વીય રાજ્યમાં ખાસી અને જયંતિયા હિલ્સના દક્ષિણ ઢોળાવ પર આવેલું આ નામાંકિત સ્થળ એક જીવંત સાંસ્કૃતિક લૅન્ડસ્કેપનું પ્રતિનિધિત્વ કરે છે, જેને સદીઓથી સ્થાનિક ખાસી અને જયંતિયા સમુદાયો દ્વારા આકાર આપવામાં આવ્યો છે.

આ સંદર્ભમાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘આ લૅન્ડસ્કેપ લોકો, પ્રકૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચેના ઊંડા અને સુમેળભર્યા સંબંધને પ્રતિબિંબિત કરે છે જે જમીનનો ઉપયોગ, શાસન અને પર્યાવરણીય વ્યવસ્થાપનની પરંપરાગત પ્રણાલીઓમાં પ્રતિબિંબિત થાય છે. આ નામાંકન રજૂ કરવાથી જીવંત સાંસ્કૃતિક પરંપરાઓ અને સ્વદેશી જ્ઞાન-પ્રણાલીઓને ઓળખવાની, એનું સંરક્ષણ કરવાની અને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસા સંરક્ષણ-પ્રયાસોને આગળ વધારવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’

unesco meghalaya india national news news