17 October, 2025 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ પરીક્ષણ ૩૨,૦૦૦ ફુટની ઊંચાઈએ થયું હતું જે એક મહત્ત્વનો રેકૉર્ડ છે
ભારતે દુનિયાની શક્તિશાળી વાયુસેનાઓના રૅન્કિંગ્સમાં ચીનને પાછળ રાખીને ત્રીજું સ્થાન હાંસલ કરી લીધું છે. વર્લ્ડ ડાયરેક્ટરી ઑફ મૉડર્ન ઍરક્રાફ્ટ (WDMMA)ના રૅન્કિંગ્સમાં હજી પણ અમેરિકા ટોચ પર છે અને એ પછી રશિયાનું સ્થાન બીજું છે. પહેલાં ચીન ત્રીજા નંબરે હતું, પરંતુ હવે ભારત ત્રીજા સ્થાને છે. ભારતનો ઉદય એશિયાના સંતુલનમાં ડ્રામેટિક બદલાવનો સંકેત માનવામાં આવે છે. WDMMAના રૅન્કિંગ્સમાં ૧૦૩ દેશો અને ૧૨૯ વાયુસેનાઓ સામેલ છે. એમાં સેના, નૌસેના અને નેવલ એવિયેશન બ્રાન્ચ પણ સમાવાય છે. આ રૅન્કિંગ્સમાં દુનિયાભરનાં કુલ ૪૮,૦૮૨ વિમાનો પર નજર રાખવામાં આવે છે.
WDMMA રૅન્કિંગ્સ કેમ મહત્ત્વનું?
વૈશ્વિક રણનીતિમાં ઍરફોર્સને બહુ જ નિર્ણાયક પરિબળ માનવામાં આવે છે. આ મામલે અમેરિકા ટોચ પર છે જેની ઍરસ્ટ્રેન્ગ્થ રશિયા, ચીન, ભારત, દક્ષિણ કોરિયા અને જપાનની સંયુક્ત સ્ટ્રેન્ગ્થથી પણ આગળ છે.
DRDOની કમાલ : ૩૨,૦૦૦ ફુટ ઊંચે સ્વદેશી કૉમ્બૅટ પૅરૅશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું
ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશને બુધવારે એક સ્વદેશી મિલિટરી કૉમ્બૅટ પૅરૅશૂટ સિસ્ટમ (MCPS)નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ ૩૨,૦૦૦ ફુટની ઊંચાઈએ થયું હતું જે એક મહત્ત્વનો રેકૉર્ડ છે. DRDOની બે પ્રયોગશાળાઓએ મળીને આ પૅરૅશૂટ તૈયાર કર્યું છે જે વિષમ પરિસ્થિતિઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ સફળતા પછી હવે એને ભારતીય સેનાની સ્વદેશી પૅરૅશૂટ સિસ્ટમમાં સામેલ કરવાનો રસ્તો ખૂલી ગયો છે.