10 May, 2025 01:23 PM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાકિસ્તાન (Pakistan)ન ભારત (India)ના `ઓપરેશન સિંદૂર` (Operation Sindoor)થી એટલું ગુસ્સે છે કે તે નિર્દોષ ભારતીયોને પણ નિશાન (Pakistan Shelling) બનાવી રહ્યું છે. પાકિસ્તાને શનિવારે જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના અનેક વિસ્તારો પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને શનિવારે સવારે રાજૌરી (Rajouri) પર પણ ગોળીબાર કર્યો હતો. આ કાર્યવાહીમાં રાજૌરીના એડિશનલ ડેપ્યુટી કમિશનર (ADC) રાજકુમાર થાપા (Raj Kumar Thapa)નું મોત થયું હતું. પાકિસ્તાને રાજકુમાર થાપાના ઘરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં અધિકારીને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
શનિવારે સવારે રાજૌરી જિલ્લામાં પાકિસ્તાન તરફથી ગોળીબાર (India-Pakistan Tension) થયો હતો. આ ગોળીબારમાં એક વરિષ્ઠ સરકારી અધિકારી એડિશનલ ડેપ્યુટી કમિશનર (ADC) રાજકુમાર થાપાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજૌરીના એડીસી રાજ કુમાર થાપા તેમના ઘરે હતા. ત્યારે તેમના ઘર પર એક ગોળો પડ્યો. આના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. તેમના બે કર્મચારીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણેયને તાત્કાલિક સરકારી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા. રાજ કુમાર થાપાનું ત્યાં મૃત્યુ થયું હતું. અધિકારીઓનું કહેવું છે કે, અન્ય બેની હાલત ગંભીર છે.
IAS રાજ કુમાર થાપાના મૃત્યુના સમાચાર મળતાં જ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) તેમના ઘરે પહોંચ્યા અને પરિવારને સાંત્વના આપી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજકુમાર થાપાના નિધન (Rajouri additional deputy commissioner Raj Kumar Thapa died in Pakistan shelling) પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘રાજૌરીથી ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાઓના એક સમર્પિત અધિકારી ગુમાવ્યા છે. ગઈકાલે જ તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લામાં હતા અને મારી ઓનલાઈન મીટિંગમાં પણ હાજરી આપી હતી. આજે, રાજૌરી શહેરમાં અધિકારીના નિવાસસ્થાન પર પાકિસ્તાની ગોળીબાર થયો, જેમાં આપણા અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થાપાનું મોત થયું. આ ભયંકર જાનહાનિ પર દુઃખ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. તેમના આત્માને શાંતિ મળે.’
રાજૌરીમાં થયેલી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકો એડીસી રાજ કુમાર થાપાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘાયલ કર્મચારીઓના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. સરકારે આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે, આ પાકિસ્તાનનું કાયરતાપૂર્ણ કૃત્ય છે. સરકાર ઘાયલોને સારી સારવાર આપવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત, મૃતકોના પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે.
રાજકુમાર થાપાનો જન્મ ૮ એપ્રિલ ૧૯૭૧ ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ દુર્ગા દાસ છે. ૨૦૦૧ માં તેઓ જમ્મુ અને કાશ્મીર વહીવટમાં પસંદગી પામ્યા હતા. પ્રમોશન પછી, તેઓ ૨૦૧૦ માં IAS બન્યા. હાલમાં તેઓ રાજૌરીમાં પોસ્ટેડ હતા. MBBS કર્યા પછી તેઓ બ્યૂરોક્રેસીમાં જોડાયા.