27 August, 2026 11:07 AM IST | Kathmandu | Gujarati Mid-day Online Correspondent
કાઠમંડુમાં ભારતીય વાયુસેનાના વિમાનના આગમન પછી કર્મચારીઓ કટોકટી રાહત સામગ્રીના બોક્સ ઉતારી રહ્યા છે (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
ઉત્તરી સરહદી વિસ્તારોમાં આવેલા વિનાશક અચાનક પૂર બાદ ભારત (India) નેપાળ (Nepal)ને જરૂરી દવાઓ સહિત ૧૦ ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (Humanitarian Assistance and Disaster Relief - HADR) સામગ્રી મોકલી છે. સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા વધતી જતી આફત વચ્ચે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ભારતીય વાયુસેના (Indian Air Force) ના C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા હિંડન એરબેઝ (Hindon Airbase)થી કાઠમંડુ (Kathmandu) ખાતે ઈમરજન્સી સામાન એરલિફ્ટ કરવામાં આવ્યો હતો, જે પડોશી દેશ પ્રત્યે નવી દિલ્હી (New Delhi)ના ત્વરિત સમર્થનને દર્શાવે છે.
માનવતાવાદી સહાયના (India relief aid to Nepal floods) આ પ્રથમ હપ્તામાં અસ્થાયી કેનવાસ શેલ્ટર, ધાબળા, હાઇજીન કિટ્સ, સોલર લેમ્પ અને જીવનરક્ષક તબીબી સામગ્રી જેવી મહત્વપૂર્ણ રાહત વસ્તુઓનો સમાવેશ થાય છે. કાઠમંડુમાં મિલિટરી ટ્રાન્સપોર્ટ ફ્લાઇટના આગમન પછી, નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે નેપાળના સંસ્કૃતિ, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન મંત્રી ખડગા રાજ પૌડેલને ૧૦ ટન રાહત સામગ્રી સત્તાવાર રીતે સોંપી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકર (External Affairs Minister S. Jaishankar)એ સોશિયલ મીડિયા દ્વારા આ ઝડપી રવાનગીની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, ભારત નેપાળના લોકો અને સરકાર સાથે મજબૂતીથી ઊભું છે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે જો વિનંતી કરવામાં આવે તો વધુ રાહત સામગ્રી એરલિફ્ટ કરવા અને આપત્તિમાંથી બહાર આવવાના પ્રયાસોને ટેકો આપવા માટે વાયુસેનાએ C-17 અને C-295 સહિતના વધારાના હેવી-લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને સ્ટેન્ડબાય પર રાખ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને નેપાળના વડાપ્રધાન બાલિન્દ્ર શાહ (Balendra Shah) વચ્ચે ઉચ્ચ સ્તરીય ટેલિફોનિક વાતચીત બાદ આ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. જાનમાલના ભયાનક નુકસાન અને વ્યાપક વિનાશ અંગે ઊંડા શોક વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ આશ્વાસન આપ્યું હતું કે આ સંકટ સમયે ભારત તમામ શક્ય માનવતાવાદી અને તકનીકી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો નેપાળના તેમના ભાઈ-બહેનો સાથે એકજૂથ થઈને ઊભા છે અને ભારત નેપાળને તમામ શક્ય માનવતાવાદી સહાય આપવા માટે તૈયાર છે. તેમણે નોંધ્યું હતું કે બંને દેશોની ઈમરજન્સી મેનેજમેન્ટ ટીમો રીઅલ-ટાઇમ ઓપરેશનલ સંકલન જાળવી રહી છે. તેના જવાબમાં નેપાળના વડાપ્રધાન શાહે ભારતની ઝડપી મદદ અને ઉદાર સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રસૂવા જિલ્લામાં તિબેટ સરહદ નજીક ભોટે કોશી નદીના વિસ્તારમાં અચાનક આવેલા તીવ્ર પૂરના કારણે હેઠવાસના વિસ્તારો ચેતવણી વગર જળમગ્ન થઈ ગયા હતા. આ પૂરે મહત્વના માર્ગોને ભારે નુકસાન પહોંચાડ્યું છે, ૧૯ વાહનવ્યવહારના પુલ તણાઈ ગયા છે, સ્થાનિક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ્સ નષ્ટ થઈ ગઈ છે અને વિદેશી પ્રવાસીઓ તેમજ સુરક્ષા દળોના જવાનો સહિત સેંકડો લોકો ગુમ થઈ ગયા છે.
મૃત્યુઆંક વધવા સાથે અને ઈમરજન્સી ટીમો મુશ્કેલ વિસ્તારમાં કામગીરી કરી રહી છે ત્યારે કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીએ પુષ્ટિ કરી છે કે તે અટવાયેલા નાગરિકોને શોધવા, મદદ કરવા અને બચાવવા માટે નેપાળી સત્તાવાળાઓ અને પ્રવાસન એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. અસરગ્રસ્ત સરહદી નદી વિસ્તારમાં નેપાળી ડિઝાસ્ટર એજન્સીઓ શોધ, સ્થળાંતર અને તબીબી કામગીરી હાથ ધરી રહી હોવાથી દ્વિપક્ષીય રાહત પ્રયાસો ચાલુ છે.