છેલ્લાં ૧૦ વર્ષથી ભારતનાં ટોચનાં ૧૧ શહેરોની હવા સારી નથી

01 December, 2025 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનાં મહત્ત્વનાં શહેરોમાં ઍર પૉલ્યુશન કેવું છે એના રિપોર્ટમાં દિલ્હી સૌથી વધુ પ્રદૂષિતઃ મુંબઈ અને અમદાવાદનો પણ સમાવેશ

દિલ્હીમાં ઍન્ટિ સ્મૉગ ગન દ્વારા જાહેરમાં પાણીનો છંટકાવ કરીને હવાના પ્રદૂષણને કાબૂમાં રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે.

ભારતનાં મહત્ત્વનાં શહેરોમાં ઍર પૉલ્યુશનની સ્થિતિ કેટલી ખરાબ છે એ દર્શાવતો એક રિપોર્ટ તાજેતરમાં બહાર પડ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે પાછલાં ૧૦ વર્ષમાં દેશનાં ટોચનાં શહેરોમાંથી એક પણ શહેરમાં ૨૦૧૫થી નવેમ્બર ૨૦૨૫ વચ્ચે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)નું લેવલ ‘સારી’ કૅટેગરીમાં નોંધાયું નથી.

આ રિપોર્ટમાં દેશનાં ૧૧ મુખ્ય શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એમાં દિલ્હી ભારતનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું હતું, જ્યાં ૨૦૧૬માં ઍવરેજ AQI ૨૫૦થી વધુ હતો અને આ વર્ષે ૧૮૦ની આસપાસ છે. દિલ્હીમાં અનેક પ્રયાસો અને AQIમાં વધઘટ છતાં એક પણ વાર શહેરની હવા સારી કૅટેગરીમાં પહોંચી શકી નહોતી.

લખનઉ, વારાણસી અને અમદાવાદ જેવાં શહેરોનો ઍવરેજ AQI પણ ઘણી વાર ૨૦૦થી ઉપર રહ્યો હતો. મુંબઈ, ચેન્નઈ, પુણે અને બૅન્ગલોરમાં અન્ય શહેરોની સરખામણીમાં AQI લેવલ મીડિયમ નોંધાયું હતું, પણ આ શહેરોમાં પણ AQIનું લેવલ સિક્યૉર ક્વૉલિટી સુધી નહોતું પહોંચી શક્યું.

દેશમાં સૌથી સારું કહેવાય એવું AQI લેવલ ૬૫ અને ૯૦ની વચ્ચે બૅન્ગલોરમાં નોંધાયું હતું. જોકે એ પણ સારી કૅટેગરીનું તો નહોતું જ. આ સિવાય ચંડીગઢ, કલકત્તા અને વિશાખાપટ્ટનમની ઍર ક્વૉલિટીનો પણ આ રિપોર્ટમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો.

મુંબઈનું પાછલાં ૧૦ વર્ષનું ઍવરેજ AQI લેવલ

૨૦૧૫          ૧૧૦

૨૦૧૬          ૯૩

૨૦૧૭          ૧૦૭

૨૦૧૮          ૧૧૨

૨૦૧૯          ૧૦૨

૨૦૨૦          ૯૪

૨૦૨૧          ૧૧૨

૨૦૨૨          ૧૨૦

૨૦૨૩          ૧૧૯

૨૦૨૪          ૯૧

૨૦૨૫     ૮૩

અમદાવાદનું પાછલાં ૧૦ વર્ષનું ઍવરેજ AQI લેવલ

૨૦૧૫          ૧૧૬

૨૦૧૬          ૧૬૩

૨૦૧૭          ૧૯૭

૨૦૧૮          ૧૫૮

૨૦૧૯          ૧૫૨

૨૦૨૦          ૧૧૭

૨૦૨૧          ૧૨૨

૨૦૨૨          ૧૧૭

૨૦૨૩          ૧૧૦

૨૦૨૪          ૧૧૪

૨૦૨૫     ૧૦૦

કેવા AQIની કેવી અસર?

૦-૫૦ સારી

ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.

૫૧થી ૧૦૦ સંતોષકારક

સંવેદનશીલ વ્યક્તિને શ્વાસ લેવામાં નજીવી તકલીફ થઈ શકે.

૧૦૧થી ૨૦૦ થોડી ખરાબ

અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.

૨૦૧થી ૩૦૦ ખરાબ

ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.

૩૦૧થી ૪૦૦ બહુ ખરાબ

લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.

૪૦૧થી ૫૦૦ ગંભીર

સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી
હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે

 

national news india air pollution new delhi mumbai mumbai weather indian meteorological department ahmedabad