30 August, 2025 06:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મોટા ભાગની રીટેલ શૉપ્સ, મૉલ્સ અને મલ્ટિબ્રૅન્ડ સ્ટોર્સમાં સામાન ખરીદવા જઈએ ત્યારે દુકાનદારો આપણો મોબાઇલ-નંબર માગી લેતા હોય છે. શૉપિંગનું બિલ સીધું મોબાઇલ પર મોકલવાથી લઈને રૉયલ્ટી પ્રોગ્રામના નામે આ દુકાનદારો ગ્રાહકોના મોબાઇલ-નંબર મેળવતા હોય છે. જોકે આવી રીતે ભેગા કરાયેલા મોબાઇલ-નંબર ગમે ત્યાં લીક થઈ જવાની સંભાવના ખૂબ વધારે છે.
જોકે ભારતમાં ડિજિટલ ડેટા સુરક્ષા માટે નવા નિયમો લાગુ થવાના છે. આ નવા નિયમોમાં રીટેલર્સ માટે ગ્રાહકોના આ રીતે નંબર લેવાનું મુશ્કેલ બનશે. ગ્રાહકો પોતાની મરજીથી નંબરો લખાવે તો પણ એ ડેટા સુરક્ષા માટે જોખમી છે. ખાસ કરીને ગ્રાહકો મોબાઇલ-નંબર જોરથી બોલે તો એ લીક થઈ શકે છે. નવા નિયમોમાં જે સ્ટોર્સને નંબરો લેવાની છૂટ મળે તેમણે ગ્રાહકને નંબર કીપૅડ દ્વારા લખાવવાનો વિકલ્પ આપવો પડે એવી શક્યતા છે. જોકે ગ્રાહક નંબર આપવાની ના પાડી શકે છે અને ગ્રાહક નંબર શૅર કરવાની ના પાડે તો રીટેલર સર્વિસ આપવાની મનાઈ નહીં કરી શકે. માત્ર રીટેલ સ્ટોર્સ જ નહીં, મોટી સોસાયટીઓમાં પણ જ્યાં વિઝિટર્સના નંબર લખી દેવામાં આવે છે ત્યાં નવા નિયમો લાગુ થતાં નંબરો શૅર કરવાનું બંધ કરવામાં આવશે.