06 June, 2026 10:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન દ્વારા ગેરકાયદે રીતે પચાવી પાડેલા ભારતીય પ્રદેશો ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં આગામી ૭ જૂને યોજાનારી કથિત સામાન્ય ચૂંટણીઓ સામે ભારતે શુક્રવારે પાકિસ્તાન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા આવા કોઈ પણ પ્રયાસો ગેરકાયદે છે અને એ સ્વીકાર્ય નથી.
ભારત સરકારે પોતાનું વલણ પુનરાવર્તિત કરતાં જણાવ્યું હતું કે ૧૯૪૭માં જમ્મુ-કાશ્મીરના સંપૂર્ણ, કાયદેસર અને અફર જોડાણના પરિણામે ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો એક અવિભાજ્ય ભાગ છે અને હંમેશાં રહેશે. નવી દિલ્હીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાનની આવી કવાયતો ત્યાં થઈ રહેલા ગંભીર માનવઅધિકાર ઉલ્લંઘન, રાજકીય દમન, આર્થિક શોષણ અને સ્વતંત્રતાના હનન જેવા મુખ્ય મુદ્દાઓ પર પડદો પાડી શકે નહીં. ભારતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને આ ગેરકાયદે કબજો ખાલી કરવા તાકીદ કરી હતી.