26 March, 2025 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાર્વથાનેની હરીશ
ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (PoK) ભારતનો એક ભાગ છે અને પાકિસ્તાને એને તાત્કાલિક ખાલી કરવો પડશે. ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઓપન ડિબેટ દરમ્યાન કહ્યું હતું કે ‘જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશાં રહેશે. જમ્મુ અને કાશ્મીરના જે ભાગ પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે એને પણ ખાલી કરવો પડશે.’
ભારતે પાકિસ્તાન પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘એણે ફરીથી બિનજરૂરી ટિપ્પણીઓનો સહારો લીધો છે, પરંતુ એનાથી પાકિસ્તાનના ગેરકાનૂની દાવા સાચા સાબિત થશે નહીં, ન તો એની સ્ટેટ-સ્પૉન્સર્ડ આતંકવાદની નીતિ સાચી સાબિત કરી શકાશે. ભારત આ મંચનું ધ્યાન પાકિસ્તાનના સંકુચિત અને વિભાજનકારી એજન્ડા તરફ ભટકવા નહીં દે. ભારત આ મામલે વિસ્તારપૂર્વક જવાબ આપવાનું ટાળશે.’
આ ચર્ચાનો વિષય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં અનુકૂળતાને વધારવાનો હતો, પરંતુ પાકિસ્તાને એક વાર ફરી એમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો.