સિંધુ જળકરાર પર પાકિસ્તાનના દુષ્પ્રચાર છતાં ભારતે દાખવી દરિયાદિલી, પાણી છોડતાં પહેલાં જાણકારી આપી

28 May, 2026 09:42 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે IWT સ્થગિત કરી દીધી હતી.

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાને ઇન્ડસ વૉટર ટ્રીટી (IWT)ને સસ્પેન્ડ કરવા બદલ વિશ્વભરમાં ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવામાં કોઈ કસર છોડી નથી. એમ છતાં ભારતે દુશ્મન રાષ્ટ્રને સમયસર મોટા પૂરના ભય વિશે ચેતવણી આપીને એના નાગરિકોના જીવ બચાવ્યા છે. આ અઠવાડિયે ભારતે જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પરના સલાલ ડૅમના દરવાજા ખોલવા અંગે પાકિસ્તાનને સમયસર ચેતવણી આપી હતી જેનાથી પાકિસ્તાનને સમયસર રાહત મળી હતી.

પાકિસ્તાનના સિયાલકોટના ડેપ્યુટી કમિશનરે એમની ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીને ચેતવણી જાહેર કરીને જણાવ્યું હતું કે ભારત દ્વારા ડૅમના સ્પિલવે દરવાજા ખોલવાને કારણે ચિનાબ નદીનું પાણીનું સ્તર બેથી ૩ મીટર વધી શકે છે. આ પછી પાકિસ્તાને અધિકારીઓને નદીના પાણીના સ્તર પર ૨૪ કલાક દેખરેખ રાખવાની સૂચના આપી હતી અને લોકોને ચિનાબ નદી કિનારે ફરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

ગયા વર્ષે એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે IWT સ્થગિત કરી દીધી હતી. એના વિરોધમાં પાકિસ્તાને વૈશ્વિક પ્રચાર-અભિયાન શરૂ કર્યું હતું. પાકિસ્તાનના નેતાઓએ વધુ ને વધુ આક્રમક નિવેદનો આપ્યાં હતાં છતાં ભારતે તાજેતરમાં પાકિસ્તાનને ચેનાબ નદી પર સંભવિત પૂર વિશે ચેતવણી આપી હતી.

national news india pakistan indian government Pahalgam Terror Attack