પાકિસ્તાનમાંથી ઘૂસણખોરીને રોકવા ભારતીય સેનાનું ઑપરેશન પિમ્પલ, બે આતંકવાદીઓ ઠાર

09 November, 2025 02:31 PM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

કુપવાડાના કેરન સેક્ટરમાં સર્ચ-ઑપરેશન હજી ચાલુ, આતંકવાદીઓ પાસેથી હથિયાર મળી આવ્યાં, તેમની ઓળખ જાહેર કરવામાં નથી આવી

કાશ્મીરના કુપવાડામાં આર્મીએ ગઈ કાલે બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને તેમની પાસેથી હથિયારનો જથ્થો કબજે કર્યો હતો.

ભારતીય સેનાએ શુક્રવારે મોડી રાતે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) નજીક શરૂ કરેલા ઑપરેશન પિમ્પલમાં બે ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. ઘૂસણખોરીના પ્રયાસ વિશે ગુપ્ત માહિતીના આધારે આ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં અન્ય કોઈ આતંકવાદીઓ છુપાયેલા છે કે નહીં એની ખાતરી કરવા માટે
સર્ચ-ઑપરેશન ચાલી રહ્યું છે.

ઑપરેશન પિમ્પલ શું છે?

શુક્રવારે કેરન સેક્ટરમાં સંયુક્ત ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય સેના અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ની સંયુક્ત ટીમે આ ઑપરેશનમાં ભાગ લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે શરૂ થયેલા ઑપરેશન દરમ્યાન ગઈ કાલે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને ઘૂસણખોરોને પડકાર ફેંક્યો હતો. જવાબમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને સુરક્ષા-ઘેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો. સેનાની તાત્કાલિક કાર્યવાહી કરીને તેમની ભાગી જવાની શક્યતાને રોકવા માટે તેમને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યાં છે. જોકે તેમની ઓળખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી.

બરફવર્ષા પહેલાં ઘૂસણખોરી

ઑપરેશન પિમ્પલનો હેતુ શિયાળાની શરૂઆત પહેલાં કોઈ પણ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવાનો છે. સેના અને BSFનું કહેવું છે કે શિયાળાની શરૂઆત પહેલાં સરહદપારના લૉન્ચપૅડ પર સ્થિત આતંકવાદીઓ ઘૂસણખોરીના પ્રયાસોને વધુ તીવ્ર બનાવે છે. તેઓ ખાસ કરીને ઑક્ટોબર અને નવેમ્બરમાં સક્રિય હોય છે, કારણ કે હિમવર્ષા પર્વતીય માર્ગો બંધ કરી દે છે જેને કારણે LoC પાર ગતિવિધિ મુશ્કેલ બને છે. આ વિસ્તારમાં બરફવર્ષા સાથે ભારે વરસાદ પડે છે. સેનાએ ઘૂસણખોરીના કોઈ પણ પ્રયાસ પર નજર રાખવા માટે સરહદ પર ભારે બંદોબસ્ત ગોઠવ્યો છે.

ગાંદરબલ જિલ્લામાં ૫૯ ઠેકાણે છાપા
કાશ્મીરની સંવેદનશીલ પરિસ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે ગઈ કાલે પોલીસ અને સુરક્ષા દળના જવાનો દ્વારા ગાંદરબલ જિલ્લામાં મોટા પાયે સર્ચ-ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આતંકવાદીઓને મદદરૂપ થતા આખા નેટવર્કને તોડી પાડવા માટે ૫૯ સ્થળોએ છાપા મારવામાં આવ્યા હતા. શંકાસ્પદ ઘરમકાનો, સ્થળો અને શ્રીનગરની સેન્ટ્રલ જેલમાં પણ પોલીસે સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું.

national news india jammu and kashmir indian army pakistan terror attack