03 November, 2025 12:53 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતીય રેલવેએ વધુ ૪ નવી વંદે ભારત ટ્રેનોને મંજૂરી આપી છે, જે ઘણાં રાજ્યોમાં મુખ્ય રૂટ તરીકે ઉમેરાશે. આ પગલા સાથે વંદે ભારત સર્વિસની કુલ સંખ્યા વધીને ૧૬૪ થશે. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે ‘૪ નવી વંદે ભારત ટ્રેનોને મંજૂર કરવામાં આવી છે. થોડા સમયમાં ટ્રાયલ-રન શરૂ કરવામાં આવ્યા બાદ સર્વિસ શરૂ થશે.’
બૅન્ગલોર (ક્રાન્તિવીર સન્ગોલી રાયન્ના-KSR)થી અર્નાકુલમ
આ ટ્રેન કર્ણાટક અને કેરલા વચ્ચે કનેક્ટિવિટી મજબૂત બનાવશે. ટ્રેન-નંબર 26651 વંદે ભારત એક્સપ્રેસ સવારે ૫.૧૦ વાગ્યે બૅન્ગલોરથી ઊપડશે અને બપોરે ૧.૫૦ વાગ્યે એર્નાકુલમ પહોંચશે. પાછા ફરતી વખતે ટ્રેન-નંબર 26652 એર્નાકુલમથી બપોરે ૨.૨૦ વાગ્યે ઊપડશે અને રાત્રે ૧૧ વાગ્યે બૅન્ગલોર પહોંચશે. ટ્રેન કૃષ્ણરાજપુરમ, સેલેમ, ઇરોડ, તિરુપુર, કોઇમ્બતુર, પલક્કડ અને ત્રિશૂરમાં રોકાશે.
ફિરોઝપુર કેન્ટથી દિલ્હી
આ ટ્રેન-સર્વિસ પંજાબથી રાષ્ટ્રીય રાજધાની સુધી કનેક્ટિવિટી મજબૂત બનાવશે. ૪૮૬ કિલોમીટરનું અંતર ૬ કલાક અને ૪૦ મિનિટમાં કાપશે અને બુધવાર સિવાય વીકના છ દિવસ દોડશે.
વારાણસીથી ખજૂરાહો
આ ટ્રેન ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનાવશે. ૪૪૩ કિલોમીટરનું અંતર ૭ કલાક અને ૪૦ મિનિટમાં કાફશે અને વચ્ચે વિંધ્યાચલ, પ્રયાગરાજ, ચિત્રકૂટ ધામ, બંદા અને મહોબા ઊભી રહેશે.
લખનઉથી સહારનપુર
આ ટ્રેન ઉત્તર પ્રદેશની અંદર અને ઉત્તર-પશ્ચિમમાં કનેક્ટિવિટી મજબૂત બનાવશે. ૫૩૪ કિલોમીટરનું અંતર સાત કલાક અને ૪૫ મિનિટમાં કાપશે અને વચ્ચે સીતાપુર, શાહજહાંપુર, બરેલી, મુરાદાબાદ, નજીબાબાદ અને રૂરકી ઊભી રહેશે.