28 November, 2026 09:15 AM IST | India | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિવાળીના તહેવારોની સીઝનમાં લોકોએ ઉધાર લઈને અર્થાત્ ક્રેડિટ કાર્ડના સહારે ધૂમ ખરીદી કરી હતી. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના માસિક ડેટા મુજબ ઑક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા અંદાજે ૨.૪૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે ડેબિટ કાર્ડથી થયેલી ૪૦,૪૯૨ કરોડ રૂપિયાની ખરીદી કરતાં અંદાજે ૬ ગણો વધુ છે. બીજી તરફ ઑટોમેટેડ ટેલર મશીન (ATM) અને પૉઇન્ટ ઑફ સેલ (PoS) ટર્મિનલ્સ પરથી ૨.૩૩ લાખ કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડવામાં આવી હતી, જે ડિજિટલ પેમેન્ટ અને રોકડ વ્યવહારોનું સહઅસ્તિત્વ દર્શાવે છે.
ક્રેડિટ કાર્ડના કુલ ખર્ચમાં ઑનલાઇન ખરીદીનો હિસ્સો સૌથી વધુ ૧.૫૪ લાખ કરોડ રૂપિયા રહ્યો હતો, જ્યારે PoS ટર્મિનલ્સ પર ૯૦,૫૬૨ કરોડ રૂપિયા અને અન્ય વ્યવહારોમાં ૧૧૯ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. એનાથી વિપરીત ડેબિટ કાર્ડનો ઉપયોગ ભૌતિક રીટેલ ખરીદીમાં વધુ થયો હતો, જેમાં PoS પર ૨૪,૯૫૭ કરોડ રૂપિયા, ઑનલાઇન ૧૫,૨૮૪ કરોડ રૂપિયા અને અન્ય વ્યવહારોમાં ૨૫૧ કરોડ રૂપિયા ખર્ચાયા હતા.
રોકડ ઉપાડમાં ડેબિટ કાર્ડ મુખ્ય માધ્યમ રહ્યું હતું. ગ્રાહકોએ ATMમાંથી ડેબિટ કાર્ડ દ્વારા ૪૨.૦૪ કરોડ વ્યવહારો મારફત ૨.૩૨ લાખ કરોડ રૂપિયાથી વધુ રોકડ ઉપાડી હતી, જ્યારે ક્રેડિટ કાર્ડથી ATM ઉપાડ ૪૧૫ કરોડ રૂપિયા અને ડેબિટ કાર્ડથી PoS ઉપાડ ૧.૨૭ કરોડ રૂપિયા રહ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે લોકો ખરીદી માટે ક્રેડિટ કાર્ડ અને રોકડ માટે ડેબિટ કાર્ડ પર નિર્ભર છે.