09 July, 2025 03:55 PM IST | Patna | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
પટના ઍરપોર્ટના ડિરેક્ટર કેએમ નેહરાએ જણાવ્યું હતું કે વિમાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પાઇલટે એક એન્જિનમાં ટેકનિકલ ખામીની જાણ કરી હતી, ત્યારબાદ એટીસીએ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યું અને વિમાનને સુરક્ષિત રીતે લૅન્ડ કરાવ્યું.
પટનામાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઇટ ઉડાન ભર્યા પછી, પાઇલટને વિમાન ધ્રુજતું હોય તેવું લાગ્યું. ત્યારબાદ પાઇલટે સમજદારી બતાવી અને વિમાનનું સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. મળતી માહિતી મુજબ, ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E 5009 બુધવારે સવારે 8:45 વાગ્યે પટનાથી ઉડાન ભરી હતી અને સવારે 9 વાગ્યાની આસપાસ રનવે પર પાછી ફરી હતી. ઍરપોર્ટ વહીવટીતંત્રે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
પટના ઍરપોર્ટના ડિરેક્ટર કેએમ નેહરાએ જણાવ્યું હતું કે વિમાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પાઇલટે એક એન્જિનમાં ટેકનિકલ ખામીની જાણ કરી હતી, ત્યારબાદ એટીસીએ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યું અને વિમાનને સુરક્ષિત રીતે લૅન્ડ કરાવ્યું.
એવું પણ બહાર આવ્યું છે કે ટેકઑફ પછી, વિમાન એક પક્ષી સાથે અથડાયું હતું. જેના કારણે વિમાનમાં કંપન અનુભવાયું હતું. રનવે પર મૃત પક્ષીના ટુકડા પણ મળી આવ્યા હતા. વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 175 લોકો સવાર હતા. વિમાનના સુરક્ષિત ઉતરાણ બાદ, વિમાનમાં સવાર મુસાફરો અને ઍરપોર્ટ ઑથોરિટીના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં, વિમાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં, સુરત એરપોર્ટ પર ઇન્ડિગોની જયપુર જતી ફ્લાઇટ એક વિચિત્ર કારણસર મોડી પડી હતી. ફ્લાઇટનું ટેક-ઑફ કરતા પહેલા ફાયર બ્રિગેડ બોલાવવાનો વારો આવ્યો હતો. સુરત એરપોર્ટ પર એક વિચિત્ર ઘટનામાં, જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ લગભગ એક કલાક મોડી પડી હતી. કારણકે મધમાખીઓનું ટોળું વિમાનના સામાનના દરવાજા પર એકઠું થઈ ગયું હતું અને ગ્રાઉન્ડ સ્ટાફ અને ઇમરજન્સી રિસ્પોન્ડર્સ દ્વારા વારંવાર પ્રયાસો છતાં પણ મધમાખીઓએ ત્યાંથી નીકળવાનો ઇનકાર કર્યો હતો. સોમવારે સાંજે સુરત એરપોર્ટ પર ૪.૨૦ વાગ્યે આ ઘટના બની જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ 6E-7285 ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. મુસાફરો પહેલેથી જ સવાર થઈ ગયા હતા અને સામાન લોડ કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક મધમાખીના ટોળા દેખાયા અને કાર્ગો હોલ્ડ એરિયાની આસપાસ ભેગા થઈ ગયા.
શરુઆતમાં ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ધુમાડાનો ઉપયોગ કરીને મધમાખીઓને વિખેરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, આ પ્રયાસો બિનઅસરકારક સાબિત થયા હતા. પરિસ્થિતિ વધુ વણસી જતાં અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે, એરપોર્ટ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડે પાણી છાંટીને મધમાખીઓને ભગાડી હતી અને પછી પરિસ્થિતિ કાબુમાં આવી હતી.