દિલ્હીમાં ઈરાનના નાયબ વિદેશપ્રધાનની સ્પષ્ટ વાત

07 March, 2026 10:39 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમે છેલ્લી ગોળી સુધી લડીશું, ટ્રમ્પ ન્યુ યૉર્કનો મેયર નિયુક્ત કરી શકતા નથી તો તેઓ અમારા નેતા કેવી રીતે નક્કી કરશે?

ઈરાની નાયબ વિદેશપ્રધાન સઈદ ખાતીબઝાદેહ

દિલ્હીમાં ચાલી રહેલા એક પરિસંવાદમાં ભાગ લઈ રહેલા ઈરાની નાયબ વિદેશપ્રધાન સઈદ ખાતીબઝાદેહે ગઈ કાલે કહ્યું હતું કે ‘અમેરિકા-ઇઝરાયલી હુમલાઓ સામે દેશનો બચાવ કરવા માટે તેહરાન પાસે બહાદુરીથી લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમે છેલ્લી ગોળી અને છેલ્લા સૈનિક સુધી પ્રતિકાર કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ટ્રમ્પ ન્યુ યૉર્કના મેયરની નિમણૂક કરી શકતા નથી તો તેઓ અમારા નેતા વિશે કેવી રીતે નિર્ણય લેશે?’

આ મુદ્દે વધુમાં બોલતાં સઈદ ખાતીબઝાદેહે કહ્યું હતું કે ‘અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ ઈરાનમાં નેતૃત્વ બદલવાની વાતો કરે છે. જોકે તેઓ પોતાના દેશમાં ન્યુ યૉર્કના મેયરની નિમણૂક પણ કરી શકતા નથી. આ એક પ્રકારનું વસાહતી વલણ છે. તેઓ પોતાના દેશમાં લોકશાહીની વાત કરે છે, પરંતુ ઈરાનની લોકશાહી સરકારને ઊથલાવી પાડવા માગે છે.’

બીજી તરફ એક સમાચાર એજન્સી સાથેની ચર્ચા દરમ્યાન સઈદ ખાતીબઝાદેહે કહ્યું હતું કે ‘ઈરાન હાલમાં સંપૂર્ણ યુદ્ધની સ્થિતિનો અનુભવ કરી રહ્યું છે. આપણે અત્યારે વાતચીત કરીએ છીએ, પણ મારા સાથી નાગરિકો પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. મને લાગે છે કે ઈરાન માટે અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આક્રમણનો સંપૂર્ણ પ્રતિકાર કરવો જોઈએ.’

અમેરિકા જમીનમાર્ગે આક્રમણ કરી શકે એ મુદ્દે સઈદ ખાતીબઝાદેહે જણાવ્યું હતું કે ‘ઈરાન કોઈ પણ વસાહતી મિશનને રોકવા માટે તૈયાર છે અને એની રાજકીય વ્યવસ્થામાં ફેરફાર કરવાના કોઈ પણ પ્રયાસનો વિરોધ કરશે. ઈરાનના કુર્દ સમુદાયને અલગતાવાદ સાથે જોડવો જોઈએ નહીં. ઈરાનના કુર્દ લોકો દેશની ઓળખનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જ્યારે કેટલાંક અલગતાવાદી જૂથોને બહારની એજન્સીઓ તરફથી સમર્થન મળ્યું છે.’

iran israel united states of america donald trump national news news