25 April, 2025 08:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રેલવેની અન્ય સર્વિસ સાથે ટૂર મૅનેજ કરતી બ્રાન્ચ ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)એ આજે ૨૫ એપ્રિલથી જમ્મુ-કાશ્મીરની એની બધી જ પ્રી-પ્લાન્ડ ટૂર હાલ રોકી દીધી છે. સહેલાણીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું IRCTCએ જણાવ્યું છે.
ભારતીય રેલવેના IRCTC દ્વારા જમ્મુ-કાશ્મીર માટે ‘જન્નત-એ-કાશ્મીર વિથ વૈષ્ણોદેવી દર્શન’, ‘કાશ્મીર - ધ પૅરૅડાઇઝ ઑન અર્થ’ અને ‘અતુલ્ય ભારત’ સહિતની અન્ય કેટલીક ટૂર ગોઠવવામાં આવતી હોય છે. આગળની સૂચનાઓ ન મળે ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરની એ બધી જ ટૂર રોકી દેવામાં આવી છે. પહેલેથી જે સહેલાણીઓએ એ માટે બુકિંગ કરાવ્યું હશે એ ટૂરિસ્ટોને પણ જો એ ટૂરમાં ન જવું હોય અને બુકિંગ કૅન્સલ કરવું હોય તે તેમને ફુલ રીફન્ડ આપવામાં આવશે. સહેલાણીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું IRCTCએ જણાવ્યું હતું.
હાલ IRCTCની જે ટૂર ઑલરેડી ચાલુ છે એમાં ૧૭૦ સહેલાણીઓ ત્યાં છે. એમાંથી ૨૦ મુંબઈના છે. મુંબઈના સહેલાણીઓ સાથે IRCTC સંપર્કમાં છે અને તેમને સુરિક્ષત રીતે મુંબઈ પહોંચાડવામાં આવશે.