26 August, 2025 06:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અવકાશયાત્રીઓને પાછા લાવવા માટેની ઍર-ડ્રૉપ ટેસ્ટ સફળ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)એ એની પ્રથમ ઇન્ટિગ્રેટેડ ઍર-ડ્રૉપ ટેસ્ટ (IADT-01)ને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે ભારતના મહત્ત્વાકાંક્ષી ગગનયાન મિશનમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.
ઇસરોના જણાવ્યા અનુસાર આ સફળ પ્રદર્શન ઇન્ડિયન ઍરફોર્સ, ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO), ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સહિત અનેક સંરક્ષણ અને સંશોધન સંસ્થાઓના સહયોગી પ્રયાસ હતા.
આ સંદર્ભમાં એક પોસ્ટમાં ઇસરોએ લખ્યું હતું કે ઇસરોએ ગગનયાન મિશન માટે પૅરૅશૂટ-આધારિત ડિલેરેશન સિસ્ટમના ઍન્ડ-ટુ-ઍન્ડ પ્રદર્શન માટે પ્રથમ ઇન્ટિગ્રેટેડ ઍર-ડ્રૉપ ટેસ્ટ (IADT-01) સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
અગાઉ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નૉલૉજી રાજ્ય પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે બુધવારે જણાવ્યું હતું કે ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાનના હ્યુમન રેટેડ લૉન્ચ વ્હીકલ (HLVM3)નો વિકાસ અને ગ્રાઉન્ડ ટેસ્ટિંગ પહેલાંથી જ પૂર્ણ થઈ ગયાં છે.