03 November, 2025 12:44 PM IST | Sriharikota | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સાંજે ૫.૨૬ વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી સૅટેલાઇટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)એ ગઈ કાલે સાંજે ૫.૨૬ વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી દેશના સૌથી ભારે સ્વદેશી કમ્યુનિકેશન સૅટેલાઇટ CMS-03 (GSAT-7R)ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો. ખરાબ વેધર હોવા છતાં સૅટેલાઇટ સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યો હતો. આશરે ૪૪૧૦ કિલો વજનનો આ સૅટેલાઇટ ભારતીય ભૂમિ પરથી લૉન્ચ થનાર પ્રથમ હેવી સૅટેલાઇટ છે. એને જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઑર્બિટ (GTO)માં મૂકવામાં આવ્યો છે, જ્યાંથી તેને જિયોસ્ટેશનરી ઑર્બિટમાં મોકલવામાં આવશે.
શ્રી હરિકોટાથી પ્રક્ષેપણ બપોર માટે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સવારથી જ આકાશમાં વાદળો હતાં. જોરદાર પવનને કારણે રૉકેટની ઉડાનમાં અવરોધ ઊભો થયો હતો. ઇસરોના વૈજ્ઞાનિકોએ કલાકો સુધી રાહ જોઈ હતી અને રડાર અને હવામાનનું નિરીક્ષણ કરીને અંતે સાંજે પ્રક્ષેપણ થયું હતું. LVM3 રૉકેટે માત્ર ૫૦ મિનિટમાં ઉપગ્રહને જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઑર્બિટ (GTO)માં મૂક્યો હતો. આ રૉકેટનું સતત પાંચમું સફળ મિશન હતું, જે ઇસરોની તકનીકી કુશળતા દર્શાવે છે. આ સૅટેલાઇટને દેશના બાહુબલી ગણાતા સૌથી શક્તિશાળી રૉકેટ લૉન્ચ વ્હીકલ માર્ક 3-M5 (LVM3-M5)નો ઉપયોગ કરીને લૉન્ચ કરવામાં આવ્યો હતો. ચંદ્ર મિશન દરમ્યાન એની ક્ષમતાઓ સાબિત થઈ હતી.
શું કામ કરશે આ સૅટેલાઇટ?
આ સૅટેલાઇટ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ટેલિકમ્યુનિકેશન કવરેજ પ્રદાન કરશે. એ ૨૦૧૩માં લૉન્ચ કરાયેલા GSAT-7 (રુક્મિણી)ને બદલશે અને આગામી ૧૫ વર્ષ સુધી સેવામાં રહેશે. એના પેલોડમાં બહુવિધ સંચાર બૅન્ડ પર વૉઇસ, ડેટા અને વિડિયો લિન્ક્સને સપોર્ટ કરવા સક્ષમ ટ્રાન્સપોન્ડર સામેલ છે. આ સૅટેલાઇટ નૌકાદળ કનેક્ટિવિટીમાં વધારો કરશે અને યુદ્ધજહાજો, વિમાનો, સબમરીન અને ભારતીય નૌકાદળનાં દરિયાઈ કામગીરી કેન્દ્રો વચ્ચે સીમલેસ અને સુરક્ષિત સંચારને સક્ષમ બનાવશે.