મમ્મીએ લાઇફ-જૅકેટમાં ૪ વર્ષના દીકરાને છાતીસરસો ચાંપી રાખ્યો હોય એ અવસ્થામાં મળી આવ્યાં બન્નેનાં શબ

02 May, 2026 09:32 AM IST  |  Jabalpur | Gujarati Mid-day Correspondent

જબલપુરના ડૅમમાં સર્જાયેલી કરુણાંતિકાના બીજા દિવસે હૃદયદ્રાવક દૃશ્ય જોવા મળ્યું : ઘટનાની થોડીક ક્ષણો પહેલાં સુધી મ્યુઝિક અને મસ્તીમાં ડૂબેલા લોકોએ લાઇફ-જૅકેટ પહેર્યાં નહોતાં

અકસ્માત પહેલાંનો જે વિડિયો ફરતો થયો છે એમાં મમ્મીના ખોળામાં બેઠેલો ૪ વર્ષનો દીકરો (ડાબે ઉપર), મમ્મીના લાઇફ-જૅકેટની અંદર છાતીસરસો ચાંપેલો દીકરો (ડાબે નીચે); રેસ્ક્યુ ટીમ મા-દીકરાનાં શબને એકબીજાને વળગેલી અવસ્થામાં જ બહાર લાવી હતી (જમણે)

મધ્ય પ્રદેશના જબલપુરમાં બરગી ડૅમમાં ગુરુવારે સાંજે ક્રૂઝ બોટ ડૂબી જવાની ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૯ થઈ ગઈ છે. ૨૬ લોકોને બચાવી લેવાયા હતા અને હજી ૪ લોકો લાપતા છે. ગુરુવારે સાંજે પર્યટકોથી ભરેલી બોટમાં લોકો મોજ કરી રહ્યા હતા. ભારે પવનને કારણે પાણીની છોળો બોટમાં અંદર સુધી આવી રહી હતી. અકસ્માત પહેલાં લેવાયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે કોઈએ લાઇફ-જૅકેટ પહેર્યું નહોતું.

અકસ્માત પહેલાંના વિડિયોમાં ભારે પવનની મોજ માણી રહેલા પર્યટકો

અચાનક તોફાન અને તેજ પવનની લહેરોને કારણે પર્યટકોથી ભરેલી બોટ પલટી ખાઈ જતાં જોતજોતાંમાં મસ્તીના માહોલમાં માતમ છવાઈ ગયો હતો. ગઈ કાલે સવારે બચાવદળોએ કેટલાંક શબ પાણીમાંથી કાઢ્યાં ત્યારે હૃદય દ્રવી જાય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. આગરાથી ખાસ આવેલા તરવૈયાઓને પણ કેટલાંક શબ કાઢવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. ઊંધી પડેલી બોટની અંદર કૅબિનના ભાગમાં ફસાયેલા શબને કાઢવા માટે હથોડા અને છૈનીની મદદથી કાપકૂપ કરવી પડી હતી. આ દરમ્યાન એક તરવૈયો ખુદ ફસાઈ જતાં માંડ બચ્યો હતો. જોકે કૅબિનના ફસાયેલા ભાગમાંથી જે શબ નીકળ્યું એ જોઈને બચાવદળના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. એક મમ્મીએ લાઇફ-જૅકેટની અંદર દીકરાને છાતીસરસો ચાંપીને પકડી રાખ્યો હોય એવી અવસ્થામાં મા-દીકરાનાં શબ મળ્યાં હતાં. બન્નેનાં શબને જુદાં કરવાનું મુશ્કેલ હોવાથી તરવૈયાઓ એ જ અવસ્થામાં મા-દીકરાનાં શબને કિનારે લઈ આવ્યા હતા. બચાવદળોનું કહેવું છે કે માને કદાચ એમ હતું કે તે લાઇફ-જૅકેટના સહારે બચી જશે એટલે તેણે દીકરાને પણ પોતાના જૅકેટની અંદર છાતીસરસો ચાંપ્યો હતો, પરંતુ બોટના એક સાંકડા ભાગમાં તેઓ ફસાઈ જતાં લાઇફ-જૅકેટ પણ તેમને બચાવી શક્યું નહીં હોય. 

બરગી ડૅમના ઊંડા પાણીમાં ગરક થઈ ગયેલી બોટને ગઈ કાલે બચાવદળોએ મહામહેનતે બહાર કાઢી હતી. એ સમયે લાપતા પરિવારજનોની રાહમાં અનેક પરિવારજનો કિનારે રાહ જોતા બેઠા હતા

૭૦ વર્ષના દાદા ૪ કલાકે પાણીમાંથી જીવતા નીકળ્યા

જબલપુરનિવાસી ૭૦ વર્ષના સૈયદ રિયાઝ હુસૈન બોટના ખાંચામાં ફસાઈ ગયા હતા, પરંતુ તેઓ ભારે જહેમત પછી ઉપર આવી શક્યા હતા. લગભગ ૪ કલાક સુધી પાણીમાં તણાતા રહ્યા પછી તેમનો બચાવ થયો હતો. તેમનાં પત્ની અને પૌત્ર હજી લાપતા છે.

પપ્પાનો હાથ પકડીને બચી ગયેલી દીકરીએ દાદીને નજર સામે ડૂબતાં જોયાં, હજી મમ્મી ને ભાઈ લાપતા છે

પિતાનો હાથ પકડીને બચી ગયેલી ખોવાયેલાં મમ્મી-ભાઈ માટે કલ્પાંત કરી રહેલી દીકરી

જબલપુર ક્રૂઝ અકસ્માતમાં છ જણનો હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો હતો. આ છોકરીએ ઘટના સમયે પિતાનો હાથ પકડી રાખ્યો હતો અને પિતાએ તેને પાણી પર રાખીને જેમતેમ કરીને કિનારે પહોંચાડી દીધી હતી. બચી ગયેલી દીકરીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘દાદીને મેં નજર સામે ડૂબતાં જોયાં. મા અને ભાઈનો હજી સુધી કોઈ પત્તો નથી.’

jabalpur madhya pradesh viral videos national news news