રાજીનામાના બાવન દિવસ પછી જગદીપ ધનખડ જાહેરમાં દેખાયા

13 September, 2025 09:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવા ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાક્રિષ્નનની શપથવિધિમાં સજોડે આવ્યા

નવા ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાક્રિષ્નનની શપથવિધિમાં સજોડે આવ્યા જગદીપ ધનખડ

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ૨૧ જુલાઈએ રાજીનામું આપ્યું એના બરાબર બાવન દિવસ પછી નવા ઉપરાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં પહેલી વાર જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. રાજીનામું આપ્યા પછી જગદીપ ધનખડ જાહેર કાર્યક્રમો અને મીડિયાથી દૂર હતા. સી. પી. રાધાક્રિષ્નને ભારતના પંદરમા ઉપરાષ્ટ્રપતિ તરીકે ગઈ કાલે શપથ લીધા હતા.

રાષ્ટ્રપતિભવનમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને અનેક કેન્દ્રીય પ્રધાનો હાજર રહ્યા હતા.

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સૌથી આગળની હરોળમાં બેઠા હતા. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિઓ વેન્કૈયા નાયડુ અને હામિદ અન્સારી તેમની બાજુમાં હતા. આ દરમ્યાન જગદીપ ધનખડ અને વેન્કૈયા નાયડુ સાથે વાતો કરતા અને નવા ઉપરાષ્ટ્રપતિ રાધાક્રિષ્નનને અભિનંદન આપ્યાં ત્યારે હસતા જોવા મળ્યા હતા.

vice president indian government rashtrapati bhavan narendra modi droupadi murmu political news national news news india