17 May, 2025 12:27 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
જગદીશ દેવડા
મધ્ય પ્રદેશમાં BJPના પ્રધાન વિજય શાહના વિવાદાસ્પદ નિવેદનનો સિલસિલો હજી અટક્યો નથી ત્યાં વધુ એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન જગદીશ દેવડા ફરી એક વાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવી ગયા છે. જબલપુરમાં આયોજિત નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોના તાલીમ કાર્યક્રમ દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાને કાર્યક્રમને સંબોધતાં કહ્યું હતું કે ‘આજે સમગ્ર દેશ, દેશની સેના અને આપણા સૈનિકોએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ચરણોમાં નમન કર્યું છે. વડા પ્રધાન મોદીએ તાજેતરમાં પહલગામ હુમલાનો બદલો જે રીતે લીધો એ પ્રશંસનીય છે.’
જગદીશ દેવડાના આ નિવેદન પર સ્થળ પર હાજર લોકોએ વડા પ્રધાન માટે તાળીઓ પણ પાડી હતી.
વિપક્ષી પાર્ટીઓએ આનો સખત વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે સેનાને રાજકારણમાં ઘસડવી ખોટી છે અને આ નિવેદન સેનાની ગરિમાનું અપમાન છે. કૉન્ગ્રેસના પ્રવક્તાઓએ તેમની પાસેથી માફીની માગણી કરી છે. આ વિવાદ વકરતાં જગદીશ દેવડાએ સ્પષ્ટતા કરી હતી કે ‘મેં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે દેશની સેવા કરી રહેલા વીર જવાનોનાં ચરણોમાં આખો દેશ નતમસ્તક છે. મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે જેનાથી ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. મેં ભારતીય સેનાનું અપમાન થાય એવું કોઈ વિવાદિત નિવેદન આપ્યું નથી, પરંતુ સેનાના સન્માનમાં વાત કરી હતી.’
વિજય શાહે કર્નલ સોફિયા કુરેશીને તેઓ મુસ્લિમ હોવાને કારણે તેમને આતંકવાદીઓની બહેન ગણાવી હતી.