ન્યુઝ પબ્લિશિંગની વૈશ્વિક સંસ્થામાં જાગરણ ગ્રુપના ડિરેક્ટર શૈલેષ ગુપ્તા કરશે INSનું પ્રતિનિધિત્વ

15 November, 2025 11:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ધ વર્લ્ડ અસોસિએશન ઑફ ન્યુઝ પબ્લિશર્સ (WAN-IFRA)ના બોર્ડમાં ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટી (INS)ના રિપ્રેઝન્ટેટિવ તરીકે નિયુક્તિ

જાગરણ ગ્રુપના ડિરેક્ટર શૈલેષ ગુપ્તા

ન્યુઝ પબ્લિશર્સની વૈશ્વિક સંસ્થા WAN-IFRAના બોર્ડમાં ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટી (INS)એ પોતાના પ્રતિનિધિ તરીકે જાગરણ ગ્રુપના ડિરેક્ટર શૈલેષ ગુપ્તાની નિયુક્તિ કરી છે. ૬ નવેમ્બરે યોજવામાં આવેલી INSની ૬૬૧મી એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નૉમિનેશન વિશે

WAN-IFRAના બોર્ડમાં INSનું પ્રતિનિધિત્વ કરવા માટે જાગરણ પ્રકાશન અને મિડ-ડે ઇન્ફોમિડિયા લિમિટેડના ડિરેક્ટર શૈલેષ ગુપ્તાના નૉમિનેશનને આ મીટિંગમાં INSના પ્રેસિડન્ટે મંજૂરી આપી હતી. શૈલેષ ગુપ્તાએ અગાઉ પણ INS માટે વિવિધ જવાબદારીઓ નિભાવી છે અને પ્રિન્ટ મીડિયા, ઍડ્વર્ટાઇઝિંગ અને ઇન્ડસ્ટ્રી પૉલિસી ઍડવોકસીમાં તેમના બહોળા અનુભવ માટે તેઓ જાણીતા છે.

INS વિશે

ધ ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટી ભારતભરના પ્રિન્ટ ન્યુઝ પબ્લિશર્સનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા છે. ૧૯૩૯માં આ સોસાયટીની સ્થાપના થઈ હતી. પ્રેસ ફ્રીડમને સુરક્ષિત કરવામાં, ઇન્ડસ્ટ્રીના પડકારોનો સામનો કરવામાં, સરકારી સંસ્થાઓ સાથે વાટાઘાટો કરવામાં, ઍડ્વર્ટાઇઝિંગ, સર્ક્યુલેશન, ન્યુઝપ્રિન્ટ અને મીડિયા ઑપરેશન્સ સંબંધિત પૉલિસીઝ બનાવવામાં INS ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

WAN-IFRA વિશે

દુનિયાભરના પ્રેસનું પ્રતિનિધિત્વ કરતા ધ વર્લ્ડ અસોસિએશન ઑફ ન્યુઝ પબ્લિશર્સ (WAN-IFRA)નાં હેડક્વૉર્ટર્સ પૅરિસ અને ફ્રૅન્કફર્ટમાં આવેલાં છે. મીડિયા ફ્રીડમને સુરક્ષિત કરવા અને સસ્ટેનેબલ જર્નલિઝમને સપોર્ટ કરવાના હેતુ સાથે આ વૈશ્વિક સંસ્થા કામ કરે છે. રિસર્ચ, ઍડવોકસી, ટ્રેઇનિંગ અને ગ્લોબલ ઇવેન્ટ્સનું આયોજન કરીને આ સંસ્થા પબ્લિશર્સની ટેક્નૉલૉજિકલ કૅપેબલિટીઝ અને બિઝનેસને વધારવામાં કામ કરે છે. WAN-IFRAના બોર્ડમાં વિશ્વભરના સિનિયર ઇન્ડસ્ટ્રી લીડર્સનો સમાવેશ થાય છે, જે ન્યુઝ પબ્લિશિંગના ભવિષ્ય માટેની સ્ટ્રૅટેજીઝ બનાવવામાં મદદ કરે છે.

jagran gujarati mid day national news news world news