જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માતઃ ટેમ્પો ટ્રાવેલર ખાઈમાં પડતાં પાંચ બન્યા કાળનો કોળિયો

15 July, 2025 01:29 PM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

Jammu-Kashmir Road Accident: જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે; મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર ખાઈમાં પડી ગયો; પાંચ લોકોના મોત, ૧૭ મુસાફરો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં અકસ્માત બાદ લોકો પલટી ગયેલા વાહન પાસે ઉભા છે (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)

મંગળવારે જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)માં એક દુ:ખદ અકસ્માત થયો. ડોડા (Doda) જિલ્લાના બારથ માર્ગ પર એક ટેમ્પો ટ્રાવેલર ખાડામાં પડી ગયો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ૧૭ લોકો ઘાયલ થયા. વાહનને તો આ અકસ્માતમાં સંપૂર્ણપણે નુકસાન થયું છે. મળતી માહિતી પ્રમાણે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને કબજે લઈને તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજે સવારે જમ્મુ અને કાશ્મીરના (Jammu-Kashmir Road Accident) ડોડા જિલ્લાના પોંડા વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં પડી ગયો. આ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના અંગે અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે ડોડા-બારથ રોડ પર પોંડા વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. ટેમ્પો નંબર JK06-4847 રસ્તા પરથી લપસીને ઊંડી ખાઈમાં પડી ગયો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા અને ૧૭ લોકો ઘાયલ થયા. અકસ્માત સમયે વાહનમાં ઘણા મુસાફરો હતા. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલ ટેમ્પો ટ્રાવેલરમાં ૨૦ થી વધુ મુસાફરો સવાર હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે, ડોડા શહેરથી લગભગ 30 કિમી દૂર પોંડા નજીક ડોડા-બારથ રોડ પર સવારે ૯ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જ્યારે એક ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવરે એક વળાંક પર કાબુ ગુમાવ્યો હતો અને વાહન ખાઈમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં મોહમ્મદ અશરફ (૩૫ વર્ષ), મંગતા વાની (૫૧ વર્ષ), અત્તા મોહમ્મદ (૩૩ વર્ષ), તાલિબ હુસૈન (૩૫ વર્ષ) અને રફીકા બેગમ (૬૦ વર્ષ)ને ડોડાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, બચાવ કાર્યકરોએ ૧૭ લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઘાયલ ઉઝમા જાન (૫ વર્ષ)ને વિશેષ સારવાર માટે જમ્મુ રિફર કરવામાં આવી છે.

વાહન ખાઈમાં પડતાની સાથે જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બાદમાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા (Manoj Sinha), મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (Democratic Progressive Azad Party)ના પ્રમુખ ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad)એ આ દુ:ખદ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ (Jitendra Singh)એ જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી મળતાં જ તેમણે ડોડાના ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહ સાથે વાત કરી હતી. સિંહે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘શક્ય તેટલી બધી મદદ અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનર વ્યક્તિગત રીતે સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યા છે અને મને નિયમિત અપડેટ્સ આપી રહ્યા છે. જરૂર પડ્યે વધુ સહાય પૂરી પાડવામાં આવશે.’ તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

jammu and kashmir road accident omar abdullah national news news