બહેનની સારવારના નામે લાખોની છેતરપિંડી! વાયરલ થયેલ `જય સિંહ રાઠોડ` કૌભાંડ છે શું?

23 September, 2026 02:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Jay Singh Rathore Scam Controversy: સગીર બહેનની આંખની સર્જરીના નામે X પર રૂ. ૧.૫ લાખથી વધુનું ફંડ એકત્ર કર્યું, પછી હોસ્પિટલના એક કૌભાંડનો પર્દાફાશ : જય સિંહ રાઠોડે માંગી માફી, પૈસા પરત કરવાનું આપ્યું વચન

જય સિંહ રાઠોડ `X Spaces` સેશનમાં ભાગ લેતા (ડાબે) અને દિલ્હીની એક આઈ ક્લિનિકની સ્પષ્ટતા કરતી પોસ્ટ (જમણે). (સ્ક્રીનગ્રેબ (X), Instagram/@shroffeyecentre)

બહેન દ્રષ્ટિ ગુમાવવાની આરે હોવાનું કહીને સોશિયલ મીડિયા (Social Media) પર તબીબી સહાય માટે કરાયેલી એક ભાઈએ ઓનલાઇન અપીલ ભારે ચર્ચા અને વિવાદના ઘેરામાં આવી ગઈ છે. `X` (અગાઉનું ટ્વિટર) પર વ્યાપક સમર્થન અને આર્થિક મદદ મેળવનાર આ ક્રાઉડફંડિંગ ઝુંબેશની પ્રમાણિકતા સામે પ્રશ્નો ઊભા થયા છે. દિલ્હી (Delhi) સ્થિત એક જાણીતી આંખની હોસ્પિટલે આ ઝુંબેશમાં તેના સત્તાવાર દસ્તાવેજો અને લેટરહેડનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની જાહેર ચેતવણી આપતાં આખું કૌભાંડ સામે આવ્યું હતું.

જય સિંહ રાઠોડ સ્કેમની ચોતરફ ચર્ચા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` (અગાઉનું ટ્વિટર) પર તબીબી સહાય માટે કરાયેલી એક ભાવુક અપીલ વર્ષના સૌથી મોટા વાયરલ વિવાદોમાં ફેરવાઈ ગઈ છે. "જય સિંહ રાઠોડ" (Jay Singh Rathore) નામના હેન્ડલથી પોતાની સગીર બહેનની આંખની રોશની જતી રહેવાનું કારણ ધરીને ઉદાર નેટીઝન્સ પાસેથી રૂ. ૧.૫ લાખથી વધુની રકમ ક્રાઉડફંડિંગ દ્વારા એકત્ર કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલના નકલી દસ્તાવેજો, લાઈવ ઓડિયો સેશનમાં ગેરમાર્ગે દોરતા જવાબો અને નાણાં પરત કરવાની માંગણીઓ વચ્ચે ૨૪ કલાકની અંદર જ આ આખી વાર્તા કૌભાંડ સાબિત થઈ ગઈ હતી.

કરૂણ અપીલ અને ઝડપી ફંડ એકત્ર કરવાની સફળતા

આ વિવાદની શરૂઆત ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થઈ હતી, જ્યારે જય સિંહ રાઠોડ નામના યુઝરે એક દુઃખદ પોસ્ટ મૂકીને દાવો કર્યો હતો કે તે અજયવીર સિંહ રાઠોડ નામનો ૧૬ વર્ષનો કિશોર છે. તેણે જણાવ્યું હતું કે તેની ૧૨ વર્ષની બહેન આંખોની દ્રષ્ટિ ગુમાવવાની આરે છે અને તેને તાત્કાલિક આંખની સર્જરીની જરૂર છે. તબીબી પ્રિસ્ક્રિપ્શન, અંદાજિત ખર્ચનું પત્રક અને સગીરનું ઓળખપત્ર સાથે રાખીને, યુઝરે દાવો કર્યો હતો કે તેના પરિવારે અગાઉથી રૂ. ૨.૫ લાખ ખર્ચી નાખ્યા છે અને બાકીના ખર્ચ માટે તાત્કાલિક નાણાંની જરૂર છે.

આ પોસ્ટે સોશિયલ મીડિયા પર લોકોનું ભારે ધ્યાન ખેંચ્યું હતું. માત્ર ૨૪ કલાકમાં જ લોકોએ UPI દ્વારા રૂ. ૧.૫ લાખથી વધુનું દાન આપ્યું હતું. લોકોનો આભાર માનીને રાઠોડે પાછળથી પ્લેટફોર્મ પરથી પોતાનું પેમેન્ટ હેન્ડલ હટાવી દીધું હતું અને જણાવ્યું હતું કે પરિવારને સારવાર માટે પૂરતું ભંડોળ મળી ગયું છે.

હોસ્પિટલની સ્પષ્ટતા અને વિસંગતતાઓ આવી સામે

આ પોસ્ટ વાયરલ થયાના થોડા જ સમયમાં, X ના જાગૃત યુઝર્સે થ્રેડ સાથે જોડેલા મેડિકલ દસ્તાવેજોમાં મોટી વિસંગતતાઓ નોંધી, જેમાં `શ્રોફ આઈ સેન્ટર` (Shroff Eye Centre) નું નામ દર્શાવવામાં આવ્યું હતું. હોસ્પિટલે તાત્કાલિક સોશિયલ મીડિયા પર એક સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી આ અપીલથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી લીધા હતા.

શ્રોફ આઈ સેન્ટરના સત્તાવાર નિવેદનમાં લખ્યું હતું કે, "સાવધાન. અમારા ધ્યાન પર આવ્યું છે કે કોઈ વ્યક્તિ/વ્યક્તિઓએ અમારા લેટરહેડ પર નકલી પેશન્ટ, પ્રિસ્ક્રિપ્શન અને એસ્ટીમેટ શીટ બનાવી છે અને WhatsApp પર NGO તથા વ્યક્તિઓ પાસે મદદ માગી રહી છે. કૃપા કરીને જાગૃત રહો અને લોકોને આ છેતરપિંડીનો ભોગ બનતા અટકાવવા શેર કરો."

X સ્પેસ પર ઓનલાઈન પૂછપરછ અને અફરાતફરી

હોસ્પિટલના નિવેદન બાદ, રાઠોડે ફ્રોડના આક્ષેપો અંગે ખુલાસો કરવા માટે `X Spaces` પર ઓડિયો બ્રોડકાસ્ટ આયોજિત કર્યા હતા. "ચાય પે ચર્ચા" તરીકે ઓળખાતા આ કલાકો લાંબા સેશનમાં દાનદાતાઓના તીખા પ્રશ્નો સામે તે રડી પડ્યો હતો અને પરસ્પર વિરોધી સ્પષ્ટતાઓ આપી હતી.

જુદા જુદા તબક્કે રાઠોડે દાવો કર્યો કે તેનાથી ભૂલ થઈ ગઈ છે, તો ક્યારેક તેણે કહ્યું કે આ પૈસા તેના બીમાર પિતા માટે હતા. એક તબક્કે તીખી ચર્ચા દરમિયાન તેણે એવું પણ કહી દીધું કે તેણે આ પોસ્ટ માત્ર "મજાક" માટે મૂકી હતી. ભારે આક્રોશનો સામનો કરી રહેલા તેણે તમામ દાનદાતાઓને પૈસા પરત કરવાનું વચન આપ્યું હતું. ઓનલાઈન શેર કરાયેલા અપ્રમાણિત બેંક સ્ટેટમેન્ટ્સ દર્શાવે છે કે સેશન દરમિયાન તેના એકાઉન્ટનું બેલેન્સ આશરે રૂ. ૧.૫૮ લાખથી ઘટીને રૂ. ૧.૩૭ લાખ થઈ ગયું હતું.

ઓનલાઈન આક્રોશ, મીમ્સ અને ડિજિટલ સાવચેતીનો પાઠ

કૌભાંડના સમાચાર ફેલાતાં જ "જય સિંહ રાઠોડ" નામ X પર ટ્રેન્ડિંગ ચાર્ટમાં ટોચ પર પહોંચી ગયું હતું. સોશિયલ મીડિયા યુઝર્સે કટાક્ષ અને મીમ્સ બનાવીને વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન, આ પોસ્ટને શરૂઆતમાં વાયરલ કરવામાં મદદ કરનારા લોકોએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ રાઠોડ સાથે કોઈ વ્યક્તિગત સંબંધ ધરાવતા નથી અને તેમણે માત્ર માનવતાના ધોરણે પોસ્ટ શેર કરી હતી.

આ ઘટનાએ ઓનલાઈન મેડિકલ ક્રાઉડફંડિંગની નબળાઈઓને ઉજાગર કરી છે, જેના કારણે કાનૂની નિષ્ણાતો અને ડિજિટલ સેફ્ટી એડવોકેટ્સ વાયરલ ચેરિટેબલ અપીલમાં દાન આપતા પહેલા સખત ચકાસણી પ્રોટોકોલ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.

social media viral post viral videos new delhi national news news Crime News twitter