ઝારખંડમાં નવો વિરોધ : અમારું જીવન બચાવો અથવા અમને ગોળી મારી દો

20 August, 2026 10:41 AM IST  |  Ranchi | Gujarati Mid-day Correspondent

ઝારખંડમાં ઉમેદવારોના ૨૬ દિવસના ઉગ્ર આંદોલન બાદ નોંધપાત્ર સમાચાર સામે આવ્યા છે

રાંચીમાં આવેલા રાજ્યના સચિવાલયના મુખ્ય ગેટ પર લોકોએ રસ્તા રોકીને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું

ઝારખંડ રાજ્ય સરકારે સોમવારે રાત્રે ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન-કમ્બાઇન્ડ ગ્રૅજ્યુએટ લેવલ  (JSSC-CGL)ની ૨૦૧૪થી લેવાયેલી તમામ કૉમ્પિટિટિવ રિક્રૂટમેન્ટ પરીક્ષા, એનાં પરિણામ અને એને પગલે થયેલી નિમણૂકોને રદ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને કારણે વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવી ચૂકેલા ૨૦૦૦થી વધુ લોકોની નોકરી ખતરામાં છે. એના વિરોધમાં ગઈ કાલે રાંચીમાં આવેલા રાજ્યના સચિવાલયના મુખ્ય ગેટ પર લોકોએ રસ્તા રોકીને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.

એક મહિલા ઉમેદવારના હાથમાં રહેલા પોસ્ટરમાં લખાણ હતું કે અમારું ભવિષ્ય જોખમમાં છે, અમારો જીવ બચાવો અથવા અમને ગોળી મારી દો.

ઝારખંડમાં આંદોલન બે મહિના માટે મુલતવી

ઝારખંડમાં ઉમેદવારોના ૨૬ દિવસના ઉગ્ર આંદોલન બાદ નોંધપાત્ર સમાચાર સામે આવ્યા છે. ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC) સુધાર મંચે આંદોલન બે મહિના માટે કૉલ-ઑફ કર્યું છે. વિદ્યાર્થી નેતા રવીન્દ્ર પાસવાને ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે હેમંત સોરેનની સરકારે ભારે દબાણ સામે ઝૂકીને પરીક્ષાઓ રદ કરવાની માગણી સ્વીકારી લીધી છે. આ કડક વિરોધના કારણે રાજ્ય સરકારને બાવીસ વિવાદિત પરીક્ષાઓ તાત્કાલિક રદ કરવી પડી છે જેને યુવાનો પોતાની નૈતિક જીત માને છે. જોકે પોસ્ટ ગ્રૅજ્યુએટ ટીચર (PGT) તેમજ સિપાહી અને ફીલ્ડવર્કર જેવી શંકાસ્પદ ભરતીઓ રદ કરવાની માગણી ચાલુ જ રહેશે. આગામી બે મહિના સુધી સંગઠન સરકારના દરેક પગલા પર નજર રાખશે. જો પારદર્શક તપાસ નહીં થાય તો આંદોલન ફરી શરૂ કરાશે.

jharkhand Education indian government national news news