ઝારખંડમાં કોબ્રા કમાન્ડો, પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર; ૮ નક્સલીઓ ઠાર

21 April, 2025 11:32 AM IST  |  Ranchi | Gujarati Mid-day Online Correspondent

Jharkhand Naxal Encounter: બોકારોમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં ૮ નક્સલીઓ માર્યા ગયા, એન્કાઉન્ટર લુગુ ટેકરીની તળેટીમાં થયું હતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઝારખંડ (Jharkhand)ના બોકારો (Bokaro) જિલ્લાના લુગુ ટેકરી (Lugu hills)ની તળેટીમાં નક્સલવાદીઓ અને પોલીસ તેમજ સીઆરપીએફ ટીમ વચ્ચે એન્કાઉન્ટર (Jharkhand Naxal Encounter) થયું. આ એન્કાઉન્ટરમાં ૮ નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. સુરક્ષા દળોની ટીમનું નેતૃત્વ કોલસા વિસ્તારના ડીઆઈજી સુરેન્દ્ર કુમાર ઝા, એસપી મનોજ સ્વર્ગિયારી અને અન્ય અધિકારીઓએ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ હિલ્સમાં સવારે 5.30 વાગ્યાની આસપાસ એન્કાઉન્ટર શરૂ થયું. 209 કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (Commando Battalion for Resolute Action - COBRA)ના સૈનિકોએ આ ઓપરેશન હાથ ધર્યું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઓપરેશન 209 કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (COBRA), ઝારખંડ જગુઆર અને CRPFના સૈનિકો વચ્ચે સંયુક્ત હતું. આમાં આઠ નક્સલીઓ માર્યા ગયા. નોંધનીય છે કે, કોઈ સુરક્ષા કર્મચારી ઘાયલ થયાના સમાચાર નથી. કોબ્રા એ CRPFનું ખાસ જંગલ યુદ્ધ એકમ છે, જે આ કામગીરીમાં સામેલ છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવેક, જેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું, અને સ્પેશિયલ એરિયા કમિટીના સભ્ય અરવિંદ યાદવ, જેના પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું, તેમની હત્યા કરવામાં આવી છે. વિવેક, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું, તે કેન્દ્રીય સમિતિનો સભ્ય હતો. તેનું પૂરું નામ પ્રયાગ માઝી ઉર્ફે વિવેક ઉર્ફે ફુચના ઉર્ફે નાગોન માઝી ઉર્ફે કરણ ઉર્ફે લેત્રા છે. તે ધનબાદના ટુંડી પોલીસ સ્ટેશન વિસ્તારના દાલુબુધા ગામનો રહેવાસી હતો. પ્રયાગ માંઝુ ઉર્ફે વિવેક પણ NIA દ્વારા વોન્ટેડ હતો. એજન્સી ટેરર ​​ફંડિંગ કેસમાં લાંબા સમયથી તેને શોધી રહી હતી, અને આજે તેના એન્કાઉન્ટરમાં સફળતા મળી છે.

મળતી માહિતી પ્રમાણે, એન્કાઉન્ટર (Jharkhand Naxal Encounter)માં એક AK શ્રેણીની રાઇફલ, એક SLR, ત્રણ INSAS રાઇફલ, એક પિસ્તોલ અને આઠ દેશી બનાવટની ભરમાર રાઇફલ જપ્ત કરવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, લુગુ ટેકરીની તળેટીમાં ચોરગાંવ મુંડાટોલીની આસપાસ ગોળીબારનો અવાજ સાંભળીને તેઓ સવારે 4 વાગ્યે જાગી ગયા. જ્યારે બહાર જઈને જોયું તો આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ હાજર હતું. પોલીસે આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે.

જણાવી દઈએ કે, પોલીસ અને સુરક્ષા દળોનું આ અભિયાન કેન્દ્ર સરકારની માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાની જાહેરાતનો એક ભાગ છે. આજકાલ દેશના નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા દળો વચ્ચે ઝડપથી અથડામણો જોવા મળી રહી છે. ગયા શુક્રવારે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ તમામ છુપાયેલા નક્સલીઓને જલ્દી આત્મસમર્પણ કરવા અને મુખ્ય પ્રવાહમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકાર ૩૧ માર્ચ, ૨૦૨૬ પહેલા દેશને નક્સલવાદના અભિશાપમાંથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.

jharkhand ranchi indian army central reserve police force national news news