જોધપુરમાં કાર સર્વિસ સેન્ટરમાં ભીષણ આગઃ ૫૦ થી વધુ વાહનો લપેટમાં, શોર્ટ સર્કિટની શંકા

06 August, 2026 09:39 AM IST  |  Jodhpur | Gujarati Mid-day Online Correspondent

Jodhpur Service Centre Fire: બુધવારે મોડી રાત્રે જોધપુરમાં આવેલા એક કાર સર્વિસ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અંદર પાર્ક કરેલા અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું; આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી

તસવીર સૌજન્યઃ એએનઆઈ

રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (Jodhpur)માં પીજી વિમેન્સ કોલેજ (PG Women`s College) પાછળ આવેલા એક કાર સર્વિસ સેન્ટરમાં બુધવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અંદર પાર્ક કરેલા અનેક વાહનો આહુતિ બની ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ૧૨ ફાયર ટેન્ડરોની મદદથી કલાકોની ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટના સમયે સર્વિસ સેન્ટરમાં ૫૦ થી વધુ વાહનો હાજર હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા સેવાઈ રહી છે.

રાત્રે ૧૦ વાગ્યે લાગી આગ

દુર્ઘટના (Jodhpur Service Centre Fire) બુધવારે રાત્રે આશરે ૧૦ વાગ્યે બની હતી. સર્વિસ સેન્ટરમાંથી ધુમાડાના ગોટેગોટા અને આકાશને અડતી આગની જ્વાળાઓ નીકળતી જોઈને આસપાસના રહેવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લોકોને દૂર ખસેડ્યા હતા.

૧૨ ફાયર ટેન્ડરોની પડી જરુર

ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ૨ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતા. પરંતુ આગની વિકરાળતા અને ઝડપથી વધી રહેલી લપેટોને જોતાં કુલ ૧૨ ફાયર ટેન્ડરો તૈનાત કરવા પડ્યા હતા. ફાયર ફાઇટરોની ભારે મહેનત બાદ આગને આસપાસના મકાનો સુધી ફેલાતા અટકાવી કાબૂમાં લેવાઈ હતી.

પેઇન્ટ અને જ્વલનશીલ પદાર્થોએ આગમાં ઘી હોમ્યું

ફાયર ઓફિસર જલજ ઘાસિયાના જણાવ્યા મુજબ, આગ લાગી ત્યારે મોટાભાગના કર્મચારીઓ કામ પતાવીને ઘરે નીકળી ગયા હતા, જેથી મોટો અકસ્માત ટળ્યો હતો. વર્કશોપમાં રાખવામાં આવેલા પેઇન્ટ અને અન્ય જ્વલનશીલ પદાર્થોએ શોર્ટ સર્કિટની શંકાસ્પદ આગને વધુ ભડકાવી હતી. જોકે, આગનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

૫૦ થી વધુ વાહનો હાજર હતા

અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગી ત્યારે વર્કશોપની અંદર ૫૦ થી વધુ વાહનો પાર્ક કરેલા હતા. તેમાંથી અનેક વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે. હાલમાં વાહનો, સાધનો અને વર્કશોપને થયેલા નુકસાનનું ચોક્કસ આકલન કરવામાં આવી રહ્યું છે.

રાજસ્થાનમાં આગની ઘટનાઓની શ્રેણી

જોધપુરની આ ઘટના રાજસ્થાનમાં તાજેતરમાં નોંધાયેલી આગની ઘટનાઓની શ્રેણી વચ્ચે સામે આવી છે.

જૂન મહિનામાં, ઝુનઝુનુ જિલ્લાના કંચનિયા કી ધાણી નજીક આશરે આઠથી દસ બાળકોને લઈ જતી એક સ્કૂલ વાનમાં આગ લાગી ગઈ હતી. ડ્રાઇવરે અચાનક આગ જોઈને વાહનને તાત્કાલિક રોકી દીધું હતું અને આગ ફેલાય તે પહેલાં જ તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા, જેના કારણે કોઈને પણ ઈજા થઈ ન હતી.

આ પહેલાં, ૯ જૂને જયપુરના ખો-નાગોરિયાન વિસ્તારમાં આવેલી એક કથિત ગેરકાયદે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આગમાં એક ગેસ સિલિન્ડર પણ સામેલ હતો, જ્યારે સત્તાવાળાઓએ આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે તપાસ શરૂ કરી હતી.

જોધપુરમાં બનેલી આ તાજેતરની ઘટનાએ જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કરતા વ્યાવસાયિક એકમોમાં ફાયર સેફ્ટીના પગલાં અંગે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે, જ્યારે બીજી તરફ અધિકારીઓ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ ચાલુ રાખી રહ્યા છે.

fire incident jodhpur rajasthan national news news