✕

કૈંચી ધામમાં ભીડ નિયંત્રિત કરવા માટે પ્રી-બુકિંગ વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી

10 October, 2026 11:05 AM IST  |  Nainital | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં ગાંધી જયંતીના લૉન્ગ વીકેન્ડ દરમ્યાન સર્જાયેલા ભીષણ ટ્રાફિક જૅમ અને હોટેલ ન મળવાને કારણે શ્રદ્ધાળુઓને ભારે હાલાકી વેઠવી પડી હતી

કૈંચી ધામ

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના ભવાલીસ્થિત પ્રખ્યાત કૈંચી ધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રી-બુકિંગની વ્યવસ્થા શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ‘હનુમાન અંશ’ ફિલ્મ આવ્યા બાદ અહીં ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ગાંધી જયંતીના લૉન્ગ વીકેન્ડ દરમ્યાન સર્જાયેલા ભીષણ ટ્રાફિક જૅમ અને હોટેલ ન મળવાને કારણે શ્રદ્ધાળુઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રશાસને આ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.

કુમાઉં કમિશનર દીપક રાવતે પ્રશાસન, પોલીસ અને પ્રવાસન કારોબારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ઑનલાઇન પ્રી-બુકિંગ સિસ્ટમ લાગુ કરવાના પ્રસ્તાવ પર સૌએ એકમતે સહમતી દર્શાવી છે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ હવે પ્રતિદિન માત્ર વીસથી ૨૫ હજાર શ્રદ્ધાળુઓને જ મંદિરમાં દર્શન કરવા માટે પ્રવેશ આપવામાં આવશે એવી શક્યતા છે.
આ નવી વ્યવસ્થા અમલમાં આવવાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે, હોટેલના ભાવ બેફામ નહીં વધે અને સાઇબર ઠગી પર અંકુશ આવશે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સરકારની અંતિમ મંજૂરી મળતાંની સાથે જ આ સિસ્ટમ સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવશે.

nainital uttarakhand religious places national news news