12 July, 2025 11:26 AM IST | Mandi | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
હિમાચલ પ્રદેશના મંડીથી ૨૦૨૪માં સંસદસભ્ય બનેલી બૉલીવુડની ઍક્ટ્રેસ કંગના રનૌતને હવે રાજકારણ સદી રહ્યું લાગતું નથી. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે રાજકારણ એક ખૂબ જ મોંઘો શોખ છે. આ પહેલાં પણ કંગનાએ કહ્યું હતું કે તે સંસદસભ્ય તરીકે તેના કામનો આનંદ માણી રહી નથી, કારણ કે લોકો પંચાયત સ્તરની સમસ્યાઓ લઈને તેની પાસે આવી રહ્યા છે.
એક નવા ઇન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું કે ‘સંસદસભ્ય તરીકે કોઈ વ્યક્તિ વધારે પૈસા કમાઈ શકતી નથી. તેને પોતાનું ઘર ચલાવવા માટે એક દિવસ નોકરી કરવાની જરૂર પડે છે. તમારે સમજવું જોઈએ કે આ ખૂબ જ ખર્ચાળ શોખ છે. ઘણા સંસદસભ્યોનો વ્યવસાય હોય છે. તેઓ વકીલ તરીકે કામ કરે છે. મારા પહેલાં જે લોકો આવ્યા છે, જેમ કે જાવેદ અખ્તરજી, તેઓ પણ પોતાનું કામ કરતા રહ્યા. તમારે કામ કરવું જ પડશે.’
આ ઇન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું કે હું હંમેશાં કહું છું કે રાજકારણ એક ખૂબ જ મોંઘો શોખ છે. મુલાકાત લેનારે જ્યારે તેને ‘શોખ’ શબ્દનો ઉપયોગ કરવા અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે ‘દેખીતી રીતે એ સત્ય છે. જો તમે સંસદસભ્ય છો, જો તમે પ્રામાણિક વ્યક્તિ છો તો તમે એને વ્યવસાય તરીકે રાખી શકતા નથી, કારણ કે તમને નોકરીની જરૂર છે. હું એક સફળ ઍક્ટ્રેસ તરીકે સફળ કારકિર્દીમાંથી આવી હતી.’
પ્રધાન બનવાની ઇચ્છા હતી
શું તે કેન્દ્રીય પ્રધાનમંડળનો ભાગ બનવાની અપેક્ષા રાખતી હતી? આ સવાલના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે ‘મંડીમાં જીત બાદ કેન્દ્રીય પ્રધાનમંડળમાં પોર્ટફોલિયો મળવાની અપેક્ષા હતી. હું જે પ્રકારની પ્રોફાઇલમાંથી આવું છું, હું એક ફિલ્મનિર્માતા અને લેખક છું. મારી પાસે ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન પદમભૂષણ પણ છે. તેથી મને લાગ્યું કે મેં પાર્ટી માટે ઘણું કર્યું છે અને મેં ખૂબ જ મુશ્કેલ બેઠક પણ જીતી છે. મારા માટે ખૂબ લાંબો પ્રચાર હતો, કારણ કે મારું મતદાન પણ છેલ્લા તબક્કામાં હતું તેથી મને પોર્ટફોલિયો મળવાની અપેક્ષા હતી. મેં વિચાર્યું કે મને પ્રધાનપદ મળવું જોઈએ.’ કંગનાએ કહ્યું હતું કે જો તેને તેના મતવિસ્તારના કોઈ પણ ભાગની મુલાકાત તેના સ્ટાફ સાથે લેવાની હોય અને કારમાં મુસાફરી કરવાની હોય તો ખર્ચ લાખો રૂપિયામાં થાય છે, કારણ કે દરેક સ્થળ ઓછામાં ઓછું ૩૦૦થી ૪૦૦ કિલોમીટર દૂર છે.
૯૧.૫ કરોડની સંપત્તિ
૨૦૨૪માં કંગનાએ ૯૧.૫ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. એમાં ૨૮.૭ કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને ૬૨.૯ કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ છે.