07 July, 2025 09:06 AM IST | Shimla | Gujarati Mid-day Correspondent
કંગના મંડી પહોંચી
ગયા અઠવાડિયે હિમાચલ પ્રદેશના મંડીમાં વરસાદમાં ખૂબ નુકસાન થયું છે. કંગના આ વિસ્તારની વિધાનસભ્ય હોવા છતાં અહીં આવી નથી એવી ચર્ચાઓ ચાલતી હતી. જોકે ગઈ કાલે કંગના મંડી જિલ્લાના વિવિધ આપદાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી ગઈ હતી. તેણે કહ્યું હતું કે ‘કનેક્ટિવિટી નહોતી એટલે હું મારા વિસ્તારમાં વહેલી પહોંચી શકી નહોતી, પણ જેવું શક્ય બન્યું કે તરત હું પહોંચી છું. અહીંના લોકોનું જીવન સંપૂર્ણ રીતે ઊજડી ગયું છે. તેમની પાસે કશું જ બચ્યું નથી. ઘરો તૂટી ગયાં છે, પરિવારો બેસહારા છે અને દરેકના ચહેરા પર માયૂસી છે.’
મીડિયા સાથે વાત કરતાં કંગનાએ રાજ્ય સરકાર પર ઠીકરું ફોડતાં કહ્યું હતું કે ‘જ્યારે છેલ્લી વાર આપદા આવી હતી ત્યારે કેન્દ્ર સરકારે હજારો કરોડની રાહત રાશિ મોકલી હતી, પણ એ પીડિતો સુધી પહોંચી નહીં. કેન્દ્રની સહાયતાને રાજ્ય સરકાર ભ્રષ્ટાચારમાં ઉડાવી દે છે. એમ છતાં આ સમય રાજનીતિનો નહીં, મદદનો છે. અહીંના લોકોને માત્ર રાહત સામગ્રીની નહીં, પણ એક નવી શરૂઆતની જરૂર છે. આપણે બધાએ મળીને કામ કરવું પડશે.’