21 April, 2026 01:39 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
ટ્વિન દીકરીઓ રિદ્ધિ અને સિદ્ધિ, આરોપી પિતા શશિરંજન મિશ્રા, દીકરીઓને ગુમાવ્યા પછી આક્રંદ કરતી મમ્મી રેશમા
કાનપુરના કિડવાઈનગરમાં ત્રિમૂર્તિ અપાર્ટમેન્ટમાં શશિરંજન મિશ્રા નામના એક ક્રૂર પિતાએ શનિવારે રાત્રે તેની ૧૧ વર્ષની ટ્વિન દીકરીઓ રિદ્ધિ અને સિદ્ધિની બેરહેમીથી હત્યા કરી હતી અને પછી પોલીસ બોલાવી લીધી હતી.
શનિવારે રાત્રે શશિરંજન મિશ્રા તેની પત્ની રેશમા, પુત્ર રુદ્રવ અને ટ્વિન દીકરીઓ સાથે જમ્યા બાદ ટીવી જોતાં હતાં. ૧૧ વાગ્યે તેણે ટીવી બંધ કર્યું પછી પત્ની ૬ વર્ષના દીકરાને લઈને રૂમમાં સૂવા ગઈ હતી અને દીકરીઓ સાથે તેનો પિતા સૂઈ ગયો હતો. બિહારના શશિરંજન મિશ્રાએ ૧૨ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળની રેશમા છેત્રી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં, પણ ઘણા સમયથી તેને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. એટલે જ તેણે ઘરમાં પત્નીના બેડરૂમ અને બાથરૂમ સિવાય બધે CCTV કૅમેરા લગાવ્યા હતા. પતિ-પત્ની અલગ-અલગ રૂમમાં સૂતાં હતાં. પત્ની દીકરા સાથે સૂતી હતી અને પિતાને દીકરીઓ સાથે બહુ લગાવ હતો એટલે તે તેમની સાથે સૂતો હતો.
રાત્રે ૧.૫૦ વાગ્યાથી લઈને ૩.૩૫ વાગ્યાના સમયગાળા દરમ્યાન બન્ને હત્યા કરવામાં આવી હતી. શશિરંજન મિશ્રાએ બન્ને દીકરીઓને મારતાં પહેલાં તેમના ભોજનમાં ઊંઘની દવા ભેળવી દીધી હતી. તેણે પહેલાં દીકરીઓનું ગળું દબાવ્યું હતું અને પછી છરીથી ગળું કાપી નાખ્યું હતું. પહેલાં તેણે સિદ્ધિને અને પછી રિદ્ધિને મારી હતી.
આરોપી પોલીસના હાથે ઝડપાયો છે અને તેણે કબૂલાત કરી હતી કે અગાઉ પણ તેણે દીકરીઓને મારવાની કોશિશ કરી હતી. ક્યારેક તે મોકો ચૂકી જતો હતો અથવા હિંમત હારી જતો હતો. બે વર્ષ પહેલાં તેણે પત્ની રેશમની ચાકુ મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
શશિરંજન મિશ્રાએ પોલીસને કહ્યું હતું કે હું બન્ને દીકરીઓને બહુ પ્રેમ કરતો હતો અને મને ચિંતા હતી કે મારા મર્યા બાદ તેમનું શું થશે. શશિરંજન મિશ્રા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ (MR) હતો, પણ તેની નોકરી છૂટી ગઈ હતી અને તે ટેન્શનમાં રહેતો હતો. એટલે જ તે ઊંઘની દવાઓનો બંધાણી બની ગયો હતો. તેણે કહ્યું હતું કે ‘૧૮ એપ્રિલે મેં બન્ને દીકરીઓની હત્યા કરીને આત્મહત્યાનો પ્લાન બનાવ્યો હતો, પણ દીકરીઓની હત્યા કરીને બહુ ગભરાઈ ગયો અને આત્મહત્યા નહોતો કરી શક્યો.’
પતિએ બન્ને દીકરીને મારી નાખી છે એની પત્નીને ખબર જ નહોતી પડી. પતિએ બોલાવેલી પોલીસ ઘરે આવી ત્યારે પત્નીને આ ઘટનાની જાણ થઈ હતી. ઘરે પોલીસ આવ્યા પછી અને જાણ થયા પછી તે ભાગીને પતિના રૂમમાં ગઈ ત્યારે તેણે જોયું કે બન્ને દીકરીઓના લોહાથી લથપથ મૃતદેહ જમીન પર પડ્યા હતા અને પતિ તેમની બાજુમાં બેઠો હતો. પત્ની રેશમા છેત્રીએ પોલીસને કહ્યું હતું કે તેના પતિને આજે જ ફાંસી આપી દેવામાં આવે.