અમે મજાક સમજી રહ્યા હતા, પણ તેણે તો માથામાં ગોળી મારી દીધી

24 April, 2025 11:02 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

કાનપુરના શુભમ દ્વિવેદી અને પત્ની એશાન્યાનો આતંકીઓ સાથે પહેલવહેલો આમનોસામનો થયો અને પછી શરૂ થયો ગોળીબાર

કાનપુરનાં ૩૧ વર્ષના શુભમ દ્વિવેદી અને પત્ની એશાન્યા

પહલગામની બૈસરન વૅલીમાં આતંકવાદીઓ ઘૂસ્યા ત્યારે નાસભાગ મચે અને કંઈક સમજાય એ પહેલાં જ કાનપુરનાં ૩૧ વર્ષના શુભમ દ્વિવેદી અને પત્ની એશાન્યા આતંકવાદીઓની અડફેટે ચડી ગયાં હતાં. એ ઘટનાની વાત કરતાં વારંવાર હીબકે ચડી જતી એશાન્યા કહે છે, ‘અમે ફરી રહ્યાં હતાં અને અચાનક કેટલાક લોકોએ આવીને પૂછ્યું કે મુસલમાન છો કે હિન્દુ? અમને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. તેમણે ફરીથી એ જ સવાલ દોહરાવ્યો કે મુસલમાન છો? અમે ના પાડી. એ જવાબ મળતાં જ તેમણે શુભમના માથામાં ગોળી મારી દીધી હતી. એ જ સમયે આજુબાજુમાંથી પણ ગોળીબારના અવાજ સંભળાવા લાગ્યા હતા. હું ચિલ્લાઈ ઊઠી અને લોહીથી લથબથ થઈને શુભમ પડી ગયો. એ પછી તો ગોળીબારના અવાજોથી પહલગામ ગૂંજી ઊઠ્યું અને ચોતરફ ચીસો અને લાશો દેખાઈ રહી હતી. હું શુભમને ઉઠાવવામાં લાગી હતી, પણ મમ્મી-પપ્પા અને બહેન તેમને ખેંચીને ગેટની બહાર તરફ લઈ ગયાં હતાં. થોડી જ વારમાં ભારતીય સેનાના જવાનો આવી પહોંચ્યા હતા.’

હજી બે મહિના પહેલાં એટલે કે ૧૨ ફેબ્રુઆરીએ શુભમ અને એશાન્યાનાં લગ્ન થયાં હતાં. તેઓ નવ અન્ય પરિવારજનો સાથે કાશ્મીર ફરવા ગયેલાં. શુભમ અને વાઇફને ઘોડેસવારી કરવી હોવાથી તેઓ બૈસરન વૅલી પર આવ્યાં, જ્યારે મોટા ભાગના અન્ય પરિવારજનો હોટેલ પર જ રોકાયા હતા. આ ઘટનાથી સહેમી ગયેલી એશાન્યાએ કહ્યું હતું કે ‘લગ્ન પછી અમે પહેલી વાર આખા પરિવાર સાથે ફરવા ગયાં હતાં. મંગળવારે જ પહલગામ પહોંચ્યાં અને ઘોડેસવારી કરીને હજી ગેટ સુધી પહોંચ્યાં જ હતાં. પચાસ મીટરના અંતર પર હું, શુભમ અને બહેન શાંભવી સાથે બેઠાં હતાં અને મમ્મી-પપ્પા હજી ગેટ પાસે હતાં એવામાં એક આતંકવાદીએ આવીને એ સવાલ પૂછ્યો. અમે એ સવાલ કેમ પૂછે છે એ પણ સમજી નહોતા શક્યા. તેણે કહ્યું કે ઠીક હૈ, કલમા પઢ લો. ત્યારે અમે એમ જ મજાકમાં કહ્યું કે ભૈયા હમ મુસલમાન નહીં હૈ અને પછી...’

શુભમ પત્ની એશાન્યા અને બહેન સાથે હજી એક દિવસ પહેલાં જ કાશ્મીરની હોટેલમાં રાતે મસ્તી કરતો હતો એ વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.

પરિવારની રાજકીય પૃષ્ઠભૂમિ

શુભમ દ્વિવેદીનો પરિવાર મહારાજપુર ક્ષેત્રમાં રાજનૈતિક દૃષ્ટિએ બહુ મજબૂત પકડ ધરાવે છે. સામાજિક ક્ષેત્રમાં ચંદન ચક્કી પ્રતિષ્ઠાન દ્વારા અનેક સામાજિક કાર્યો માટે દૂરસુદૂર સુધી પ્રસિદ્ધિ ધરાવે છે. શુભમના ચાચા જ્યોતિષાચાર્ય પંડિત મનોજ દ્વિવેદી છે. તેના પિતા સંજય એ ક્ષેત્રના સિમેન્ટના બહુ મોટા વેપારી છે. સંજયના કાકાનો દીકરા ભાઈ શૈલેન્દ્ર દ્વિવેદી ભારતીય જનતા પાર્ટીનો નેતા છે. મંગળવારે રાતે જ  ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુભમના પિતા સંજય દ્વિવેદી સાથે વાત કરી હતી.

kanpur jammu and kashmir kashmir Pahalgam Terror Attack terror attack srinagar national news news