17 July, 2025 11:35 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
કર્ણાટક મલ્ટિપ્લેક્સ
કર્ણાટક સરકારે મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરોમાં ટિકિટની મહત્તમ કિંમત ૨૦૦ રૂપિયા નક્કી કરી છે. આ નીતિ ખાસ કરીને કન્નડા ફિલ્મોને પ્રોત્સાહન આપવા અને દર્શકોને રાહત આપવા માટે લાગુ કરવામાં આવી છે. દક્ષિણ ભારતનાં અનેક રાજ્યોએ પહેલાંથી જ મૂવી-ટિકિટોની મહત્તમ સીમા નક્કી કરી રાખી છે.
બૅન્ગલોરમાં મંગળવારે રાત્રે સરકારે જાહેરાત કરી કે હવે કર્ણાટકના કોઈ પણ થિયેટરમાં ફિલ્મની ટિકિટ ૨૦૦ રૂપિયાથી વધુ નહીં હોય. આ રકમમાં એન્ટરટેઇનમેન્ટ ટૅક્સનો પણ સમાવેશ થઈ જાય છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ આ વર્ષે બજેટ-ભાષણમાં ટિકિટોના ભાવની મહત્તમ સીમા નક્કી કરવાનું વચન આપ્યું હતું, જે હવે ઔપચારિક રીતે લાગુ થયું છે. આ નવા નિયમનો સીધો ફાયદો મધ્યમવર્ગીય દર્શકોને મળશે, કારણ કે અત્યાર સુધી તેઓ મલ્ટિપ્લેક્સની ઊંચી કિંમતોને કારણે ફિલ્મ જોવાનું ટાળતા હતા. કર્ણાટકમાં આ નિયમ લાગુ થયો એ અગાઉ પ્રીમિયમ શોની ટિકિટો ૫૦૦ રૂપિયાથી માંડીને ૧૦૦૦ રૂપિયા સુધી પહોંચી જતી હતી. આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ થયો છે અને થિયેટરો માટે આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.