16 September, 2025 12:34 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
કાશ્મીરી ઉત્પાદકોને લગભગ ૪૦૦ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હોવાનો અંદાજ
કાશ્મીરના ફળ ઉગાડનારા ખેડૂતો રાજ્ય સરકારથી ભયંકર ખફા છે. વરસાદ ગયા પછી પણ ૧૨ દિવસથી શ્રીનગર-જમ્મુ નૅશનલ હાઇવે બંધ હોવાથી ફળો ભરેલી ટ્રકો આગળ વધી શકતી નથી. ફળોનાં બૉક્સ માર્કેટમાં પડ્યાં-પડ્યાં જ ખરાબ થઈ રહ્યાં છે ત્યારે ફળ-ઉત્પાદકોએ ગવર્નર મનોજ સિન્હા અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે શ્રીનગર-જમ્મુ નૅશનલ હાઇવે ઇન્ડિયન આર્મીને સોંપી દેવામાં આવે. આર્મી ગણતરીના દિવસોમાં કામ પૂરું કરી દેશે એવો તેમને વિશ્વાસ છે.
ફળો માર્કેટમાં જ સડી રહ્યાં હોવાથી કાશ્મીરી ઉત્પાદકોને લગભગ ૪૦૦ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હોવાનો અંદાજ લગાવાય છે. ફળ-ઉત્પાદકોએ રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે જો બે દિવસમાં હાઇવે રીસ્ટોર ન થયો તો તેઓ પરિવારને લઈને રસ્તા પર ઊતરી આવશે.