આતંકવાદીઓએ અમને પણ મારી નાખ્યા હોત તો સારું થાત, આ માનવતા અને કાશ્મીરની હત્યા

25 April, 2025 08:42 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

ઘાયલ ટૂરિસ્ટો માટે તારણહાર બનેલો શાલ વેચતો સજ્જાદ ભટ કહે છે...

યુવાન સજ્જાદ અહમદ ભટ કાશ્મીરી શાલ વેચવાનો બિઝનેસ કરે છે અને પહલગામમાં હુમલા વખતે હાજર હતો. તેણે ઘાયલોને સારવાર માટે મોકલવામાં મદદ કરી હતી.

પહલગામમાં મંગળવારે કરવામાં આવેલા આતંકવાદી હુમલા વખતે એક કાશ્મીરી યુવાન ઘાયલ વ્યક્તિને પીઠ પર મૂકીને સારવાર માટે લઈ જતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો. આ યુવાન સજ્જાદ અહમદ ભટ કાશ્મીરી શાલ વેચવાનો બિઝનેસ કરે છે અને પહલગામમાં હુમલા વખતે હાજર હતો. તેણે ઘાયલોને સારવાર માટે મોકલવામાં મદદ કરી હતી.

સજ્જાદે હુમલાના મુદ્દે જણાવ્યું હતું કે ‘આતંકવાદીઓએ ટૂરિસ્ટોની સાથે અમને પણ મારી નાખ્યા હોત તો સારું થાત. આ ઘટના માનવતા અને સમગ્ર કાશ્મીરની હત્યા છે. આ એક કાયરતાપૂર્ણ કૃત્ય હતું અને આવી ઘટના મેં પહેલી વાર જોઈ હતી. આખું કાશ્મીર શોક અને આઘાતમાં છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે મેં પ્રવાસીઓને રડતા જોયા હતા અને મારી આંખોમાં પણ આંસુ આવી ગયાં હતાં. અમે ઘણા ટૂરિસ્ટોને હૉસ્પિટલમાં લાવ્યા હતા. અમને અમારા જીવની પરવા નહોતી, કારણ કે ટૂરિસ્ટો મદદ માટે વિનંતી કરી રહ્યા હતા. માનવધર્મ પહેલાં આવે છે. ટૂરિસ્ટોની મદદ કરવી એ આપણી ફરજ છે, કારણ કે તેઓ અમારા મહેમાનો છે અને અમારી આજીવિકા તેમના પર નિર્ભર છે. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અમને એકલા મૂકશો નહીં.’

jammu and kashmir kashmir Pahalgam Terror Attack terror attack srinagar national news news