18 April, 2026 08:00 AM IST | Haridwar | Gujarati Mid-day Correspondent
ગૌરીકુંડથી કેદારનાથ ધામના રસ્તા પરથી બરફ હટાવીને રસ્તો બનાવવાનું કામ તડામાર ચાલી રહ્યું છે
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ૧૯ એપ્રિલથી શરૂ થઈ રહી છે અને કેદારનાથ મંદિરના દરવાજા બાવીસ એપ્રિલે સવારે ૮ વાગ્યે યાત્રાળુઓ માટે ખૂલશે. આ વખતે ગ્લૅસિયર્સ કાપીને એક સ્નો કૉરિડોર બનાવવામાં આવ્યો છે, જેનાથી યાત્રાળુઓ બરફ વચ્ચેથી પસાર થઈને બાબા કેદારનાથનાં દર્શન કરી શકશે. રજિસ્ટ્રેશનના પહેલા દિવસે ૪૨,૪૦૫ નામ નોંધવામાં આવ્યા બાદ ૧૫ એપ્રિલ સુધીમાં આ સંખ્યા ૫,૯૬,૧૦૦ પર પહોંચી ગઈ છે. આ વર્ષની યાત્રા ગયા વર્ષ કરતાં વહેલી થશે.
ગઈ કાલે હરિદ્વારમાં ચારધામ યાત્રા માટે બુકિંગ કરાવી રહેલા શ્રદ્ધાળુઓ
યાત્રાળુઓ માટે માર્ગ તૈયાર કરવા માટે ૧૦૦થી વધુ કામદારો દિવસ-રાત કામ કરી રહ્યા છે. બરફનાં જાડાં પડ હજી પણ પડકાર ઊભો કરી રહ્યાં છે. એપ્રિલના અંત સુધીમાં બરફ ઓગળવો સામાન્ય છે, પરંતુ આ વખતે હવામાન અલગ છે. ૨૦૨૩ પછી શ્રદ્ધાળુઓ આટલી ભારે હિમવર્ષા જોશે. મંદિર સંકુલમાં અને એની આસપાસ બેથી ૩ ફુટ બરફ છે. ગૌરીકુંડથી કેદારનાથ સુધીના ચાલવાના માર્ગ પર ઘણી જગ્યાએ ગ્લૅસિયર્સ તૂટી ગઈ છે. થારુ અને ચોરાબારી ગ્લૅસિયર તૂટવાથી મુશ્કેલીઓ ઊભી થઈ છે, પરંતુ કામદારોએ આઠથી ૧૦ ફુટ ઊંચી બરફની દીવાલોને કોતરીને સલામત રસ્તો બનાવ્યો છે.
હેલિકૉપ્ટર સેવા માટે હવાઈપટ્ટી બરફથી સાફ કરવામાં આવી છે, જેનાથી યાત્રાળુઓ માટે હવાઈ મુસાફરી મુશ્કેલીમુક્ત રહેશે.