02 July, 2025 07:44 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
કેરલાના કુન્નુર જિલ્લાના કોટ્ટિયુર ગામમાં હિન્દુ પૌરાણિક શાસ્ત્ર મુજબ દક્ષિણનો મહાકુંભ શરૂ થયો
કેરલાના કુન્નુર જિલ્લાના કોટ્ટિયુર ગામમાં હિન્દુ પૌરાણિક શાસ્ત્ર મુજબ દક્ષિણનો મહાકુંભ શરૂ થયો છે. ૨૮ દિવસ ચાલનારા આ ફેસ્ટિવલને વૈશાખ મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. કોટ્ટિયુરને દક્ષિણનું વારાણસી ગણવામાં આવે છે, કેમ કે અહીં અનેક ધાર્મિક માહાત્મ્ય ધરાવતાં મંદિરો અને શિલાઓ છે. આ ફેસ્ટિવલ બાવલી નદીના કિનારે ઊજવવામાં આવે છે. પ્રયાગરાજના કુંભમેળાનું જેટલું ધાર્મિક માહાત્મ્ય છે એટલું જ દક્ષિણ ભારતના હિન્દુઓમાં કોટ્ટિયુર ફેસ્ટિવલનું છે. આ જગ્યાએ કોઈ કાયમી ધોરણે ઊભું કરેલું મંદિર નથી, પરંતુ અહીં પામનાં સૂકાં પાંદડાથી યજ્ઞભૂમિ તરીકે ઓળખાતું વિશિષ્ટ ઊર્જા ધરાવતું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે. એની ફરતે જાતજાતની વિધિ થાય છે.
એ ઉપરાંત અહીં બાવલી નદીના સામસામા બે કિનારે આવેલા અકારે કોટ્ટિયુર અને ઇક્કારે કોટ્ટિયુર એમ બે મંદિરોમાં ઉત્સવનો તામઝામ જોવા મળે છે. એવું મનાય છે કે આ શિવમંદિરમાં સ્વયંભૂ લિંગ છે. પૂરા ૨૮ દિવસ ચાલતા આ ઉત્સવમાં અનેક લોકો માનતા માને છે અને એક ખાસ વૃક્ષની નીચે લિસ્સો ગોળાકાર પથ્થર મૂકે છે. નદીમાં નાહીને ભીના કપડે જ યજ્ઞભૂમિ તરીકે બનાવેલા સૂકાં પાંદડાંના કાચા દેવળમાં લોકો નારિયેળ અને ઘીનો ચડાવો ચડાવે છે અને એની ફરતે પ્રદક્ષિણા કરે છે.