01 July, 2025 08:19 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
અનીષા અને બવિશ.
૨૦૨૧ અને ૨૦૨૪ની વચ્ચે પોતાનાં બે નવજાત બાળકોને મારી નાખવા બદલ કેરલામાં એક લિવ-ઇન કપલની ધરપકડ કરવામાં આવી છે. પચીસ વર્ષના બવિશ અને ૨૩ વર્ષની અનીષાની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્રિસુરમાં બનેલી આ ઘટનામાં બવિશ દારૂના નશામાં થેલીમાં ભરેલા નવજાત બાળકોના અવશેષ લઈને પોલીસ-સ્ટેશન પહોંચ્યો એ પછી આ આખી વાતનો પર્દાફાશ થયો હતો.
બવિશ પોલીસ-સ્ટેશનમાં આવીને કહેવા લાગ્યો હતો કે મારી પાસે જે બૅગ છે એમાં નવજાત બાળકોનાં હાડકાં છે, જે વિધિ કરવા માટે રાખ્યાં છે જેથી બાળકોને મોક્ષ મળે.
દારૂના નશામાં બોલી રહેલા બવિશની વાતો સાંભળીને પોલીસને મામલો ગંભીર લાગ્યો અને તેમણે એ જ રાતે તપાસ આદરીને સવાર સુધીમાં જાણી લીધું કે બે બાળકોને મારી નાખવામાં આવ્યાં હતાં.
બવિશ અને અનીષા ૨૦૨૦માં સોશ્યલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ્સ બન્યાં હતાં. એ વખતે તેઓ ૨૦ અને ૧૮ વર્ષનાં હતાં. તેમણે લગ્ન કરવાનું નક્કી કરેલું, પણ મેળ નહોતો પડ્યો. જોકે તેઓ સાથે રહેવા માંડેલાં. તેમને પહેલું બાળક નવેમ્બર ૨૦૨૧માં થયું હતું, જેને અનીષાએ ગળું દબાવીને મારી નાખ્યું હતું અને મૃતદેહ ઘરની નજીક દાટી દીધો હતો. ૮ મહિના પછી તેણે મૃતદેહ જ્યાં દાટ્યો હતો એ જગ્યા ફરી ખોદીને એમાંથી થોડાંક હાડકાં કાઢ્યાં હતાં અને બવિશને આપ્યાં હતાં. બીજું બાળક ઑગસ્ટ ૨૦૨૪માં જન્મ્યું હતું અને તેને પણ પ્રથમ બાળકની જેમ જ મારીને બીજી જગ્યાએ દાટી દેવામાં આવ્યું હતું.
પોલીસે કહ્યું હતું કે બવિશે આ પર્દાફાશ કર્યો એની પાછળનું કારણ એ હતું કે અનીષા સાથેના તેના સંબંધ બગડ્યા હતા. બવિશને લાગતું હતું કે અનીષાનું કોઈની સાથે અફેર ચાલી રહ્યું છે અને એને લીધે છેલ્લા બે મહિનાથી તેમના ઘણા ઝઘડા થતા હતા. બવિશને લાગતું હતું કે અનીષા બીજા કોઈ સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે એટલે તે બદલો લેવા બાળકોના અવશેષો ભરેલી બૅગ લઈને પોલીસ-સ્ટેશન પહોંચી ગયો હતો.