05 July, 2025 12:53 PM IST | Mathura | Gujarati Mid-day Correspondent
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ
મથુરાસ્થિત શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસમાં અલાહાબાદ હાઈ કોર્ટે શાહી ઈદગાહને વિવાદિત સંકુલ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણય જસ્ટિસ રામ મનોહર મિશ્રાની સિંગલ બેન્ચે આપ્યો હતો અને એ હિન્દુ પક્ષ માટે એક મોટા ઝટકા સમાન છે.
મથુરાસ્થિત શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ કેસના પક્ષકાર અને કેસના ઍડ્વોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે હાલનાં તથ્યો અને અરજીના આધારે ઈદગાહને હાલમાં વિવાદિત માળખું જાહેર કરી શકાય નહીં. હિન્દુ પક્ષનો દાવો હતો કે ઈદગાહ શ્રીકૃષ્ણના જન્મસ્થળ પર આવેલા પ્રાચીન મંદિરને તોડીને બનાવવામાં આવી હતી.
હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહે ૨૦૨૫ની પાંચમી માર્ચે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માગણી કરી હતી. આ અંગેની સુનાવણી ૨૩ મેએ અલાહાબાદ હાઈ કોર્ટમાં પૂરી થઈ હતી અને કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
પહેલાં ત્યાં એક મંદિર હતું
હિન્દુ પક્ષના મહેન્દ્ર પ્રતાપ સિંહે ઇતિહાસનાં પુસ્તકોનો ઉલ્લેખ કરીને કોર્ટને જણાવ્યું હતું કે ‘ત્યાં પહેલાં એક મંદિર હતું. આજ સુધી શાહી ઈદગાહ મસ્જિદ પક્ષ કોર્ટમાં ત્યાં મસ્જિદનો કોઈ પુરાવો રજૂ કરી શક્યો નથી. ઉપરાંત ન તો ખસરા ખતૌનીમાં મસ્જિદનું નામ ઉલ્લેખિત છે અને ન તો મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં એનો કોઈ રેકૉર્ડ છે, ન તો કોઈ કર ચૂકવવામાં આવી રહ્યો છે. તેમનો દાવો છે કે શાહી ઈદગાહ મૅનેજમેન્ટ કમિટી સામે વીજળીની ચોરીનો રિપોર્ટ પણ દાખલ કરવામાં આવ્યો છે તો પછી એને મસ્જિદ કેમ કહેવાવી જોઈએ. આવી સ્થિતિમાં મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવી જોઈએ.’
અયોધ્યા જેવો કેસ
ખાસ વાત એ હતી કે તમામ હિન્દુ પક્ષોએ મહેન્દ્ર પ્રતાપ સિંહની દલીલોને ટેકો આપ્યો હતો. મહેન્દ્ર પ્રતાપ સિંહે કોર્ટમાં કહ્યું હતું કે આ બધું ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણમાં સ્પષ્ટ થઈ જશે. કોર્ટ સમક્ષ કેસનું સ્વરૂપ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે ફક્ત કોઈની જમીન પર અતિક્રમણ કરવાથી એ જમીન તેની બની જતી નથી. તેમણે કોર્ટને એમ પણ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદનો કેસ મથુરામાં ભગવાન કૃષ્ણના જન્મસ્થળના કેસ જેવો જ છે.
હિન્દુ પક્ષના મતે અયોધ્યા કેસમાં નિર્ણય આપતાં પહેલાં કોર્ટે બાબરી મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું હતું, તેથી શાહી ઈદગાહ મસ્જિદને પણ વિવાદિત માળખું જાહેર કરવી જોઈએ. મહેન્દ્ર પ્રતાપ સિંહે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે આ અંગેના તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે અને ભારત આવેલા તમામ વિદેશી પ્રવાસીઓએ કહ્યું હતું કે આ ભગવાનનું મંદિર છે, ત્યાં કોઈએ મસ્જિદ હોવાનો ઉલ્લેખ કર્યો નથી.
કોર્ટમાં અન્ય હિન્દુ પક્ષકારો દ્વારા પણ મહેન્દ્ર પ્રતાપ સિંહની દલીલોને સમર્થન આપવામાં આવ્યું હતું. જોકે મસ્જિદ પક્ષે આનો સખત વિરોધ કર્યો હતો.