લશ્કર-એ-તય્યબાના સહસ્થાપક આમિર હમઝા પર લાહોરમાં અટૅક

17 April, 2026 12:19 PM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

આમિર હમઝા લશ્કર-એ-તય્યબાના ફાઉન્ડર મેમ્બરોમાંનો એક છે અને તે અમેરિકા દ્વારા જાહેર કરાયેલો આતંકવાદી છે

લશ્કર-એ-તય્યબા (LeT)ના સહસ્થાપક આમિર હમઝા

મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના અત્યંત નજીકના સાથી અને આતંકી સંગઠન લશ્કર-એ-તય્યબા (LeT)ના સહસ્થાપક આમિર હમઝા પર લાહોરમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લાહોરમાં એક ન્યુઝ-ચૅનલની ઑફિસની બહાર થયેલા આ હુમલામાં હમઝા ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. લાહોરના હમદર્દ ચોક વિસ્તારમાં હમઝા પોતાની ગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇકસવાર અજાણ્યા શખ્સોએ તેની ગાડી પર ગોળીબાર કર્યો હતો. 

અમેરિકાએ જાહેર કરેલો આતંકવાદી

આમિર હમઝા લશ્કર-એ-તય્યબાના ફાઉન્ડર મેમ્બરોમાંનો એક છે અને તે અમેરિકા દ્વારા જાહેર કરાયેલો આતંકવાદી છે. તે અફઘાન મુજાહિદ્દીનનો પણ હિસ્સો રહી ચૂક્યો છે. તે પોતાની ઉશ્કેરણીજનક સ્પીચ અને લેખન માટે જાણીતો હતો. લશ્કરના મુખપત્રના સંપાદક તરીકે સેવા આપી ચૂકેલા હમઝાએ અનેક પુસ્તકો પણ લખ્યાં છે. ભારતમાં થયેલા અનેક આતંકી હુમલાઓમાં તેની સક્રિય સંડોવણી હોવાનું મનાય છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ભારતવિરોધી આતંકીઓ પર થઈ રહેલા ‘અજ્ઞાત’ હુમલાઓની કડીમાં આ વધુ એક મોટી ઘટના માનવામાં આવી રહી છે.

national news india lahore pakistan terror attack