17 March, 2025 11:22 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
અબુ કતાલ પોતાના વાહનમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે બે અજ્ઞાત લોકોએ તેના પર હુમલો કર્યો હતો
જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલામાં સંડોવાયેલા લશ્કર-એ-તય્યબાના આતંકવાદી અબુ કતાલની હત્યા કરવામાં આવ્યા બાદ થોડા કલાકોમાં આ આતંકવાદી સંગઠનના સ્થાપક એવા હાફિઝ સઈદ વિશે પણ ચર્ચા શરૂ થઈ હતી કે તે પણ આ હુમલામાં ઘવાયો છે. તેને ઈજા થઈ છે પણ તે સુરક્ષિત હોવાનું અહેવાલોમાં જાણવા મળે છે. સઈદને ઈજા પહોંચી છે પણ તેની પૂરી જાણકારી પ્રાપ્ત થઈ નહોતી.
અબુ કતાલ પોતાના વાહનમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે બે અજ્ઞાત લોકોએ તેના પર હુમલો કર્યો હતો. અબુ કતાલ પર હુમલો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના મંગલા શહેરમાં થયો હોવાનું માનવામાં આવે છે. રાજૌરીમાં ૨૦૨૩ના જાન્યુઆરી મહિનામાં થયેલા હુમલાનો તે મુખ્ય સૂત્રધાર હતો. આ સિવાય ૯મી જૂને જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં શિવખોડી મંદિરથી ભાવિકોને પાછી લઈને ફરી રહેલી બસ પરના હુમલા માટે પણ અબુ કતાલ જવાબદાર હતો. તે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મોસ્ટ વૉન્ટેડ યાદીમાં સામેલ છે.